- ઘરના ફળિયામાં પિતા સાથે ઊંઘી રહેલા બાળક પર દીપડાંએ હુમલો કર્યો,
- ગણતરીની કલાકોમાં દીપડો પાંજરે પુરાયો,
અમરેલીઃ જિલ્લામાં દીપડાની વસતીમાં વધારો થયો છે. અને દીપડાના હુમલાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે જિલ્લાનાચલાલા નજીક આવેલા ગરમલી ગામના પાદરમાં આવેલી એક વાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી છે. વન વિભાગની ટીમ દ્વારા રાત્રિના સમયે ઘટનાસ્થળે પહોંચી પાંજરુ મૂકી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ દીપડાને ઝડપી પાંજરે પૂર્યો હતો.
અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓની સંખ્યામાં પણ વધારો થયો છે, દીપડાઓ રહેણાંક વિસ્તાર અને વાડી સીમ વિસ્તારમાં ઘૂંસી હુમલાઓ કરી ફાડી ખાવાના અનેક કિસ્સાઓ બની ચુક્યા છે. ફરીવાર દીપડાની હુમલાની ઘટના સામે આવી છે. ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા ગરમલી ગામના પાદરમાં આવેલી જોરૂભાઈ વાળાની વાડીમાં રહેતા દાહોદ જિલ્લાના રણધીકપુર તાલુકાના આદિવાસી પરિવાર ખેત મજૂરી અર્થે વસવાટ કરતો હતો. રાત્રિના સમયે પિતા અને પુત્ર બહાર ફળિયામાં ઊંઘી રહ્યા હતા ત્યારે પિતા અંદર ઓરડીમાં રૂમની લાઈટ કરવા જતા દીપડો આવી ચડ્યો હતો અને બે વર્ષીય ચિરાગ ભાભોર પર હુમલો કરતા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મોડી રાતે ઘટના બાદ બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયા બાદ પરિવારજનો ગ્રામજનો હોસ્પિટલમાં દોડતા સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયાને જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને બાળકના પરિવારને સાંત્વના પાઠવી હતી અને વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
વનવિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પૂર્યો રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યાની જાણ થતા જ ધારી ગીર પૂર્વ વનવિભાગની ટીમ દોડતી થઈ હતી અને આ વિસ્તારમાં અલગ અલગ ત્રણ સ્થળો પર પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં એક પાંજરામાં દીપડો કેદ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.