- માતાના મઢ એવા આશાપુરા મંદિર દ્વારા નવરાત્રી પર્વની તડમાર તૈયારીઓ,
- 2જી ઓકટોબરે યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપન થશે,
- 3જી ઓક્ટોબરે નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ
ભૂજઃ નવલી નવરાત્રીને હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે નવરાત્રીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રી પર્વની ગામેગામ અને દરેક શહેરોમાં ઊજવણી કરીને માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. કચ્છમાં માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાજીના મંદિરમાં દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રી પર્વની ભારે ધામધૂમથી ઊજવણી કરાશે.
લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ સ્થિત મા આશાપુરા માતાજીના મંદિરે આગામી અશ્વિન નવરાત્રી પર્વની પરંપરાગત રીતે કરવામાં આવતી ઉજવણી આ વર્ષે આગામી બીજી ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસથી નવરાત્રી પર્વનો આરંભ થશે. અશ્વિન નવરાત્રિ અંગેની ઉજવણી માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં આગામી અશ્વિન નવરાત્રી પર્વનો આરંભ ભાદરવા વદ અમાસ, તા. 2/10, બુધવારના રાત્રે 9:00 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ તા. 3/10 આસો સુદ એકમને ગુરૂવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે, જ્યારે આસો સુદ સાતમ તા. 10/10 ને ગુરૂવારના રાત્રે 8:15 કલાકે ઓમ હવનની ધાર્મિક વિધિ બાદ મોડીરાતે 1/15 કલાકે શ્રીફળ હોમ સાથે આ પર્વનું સમાપન થશે. અશ્વિન નવરાત્રી પર્વના ચાર પાંચ દિવસ અગાઉ શ્રાદ્ધ પક્ષના પાછલા દિવસોથી જ યાત્રીકો તેમજ પદયાત્રીકોનો પ્રવાહ માતાના મઢ આવવા માટે શરૂ થઈ જતો હોય છે. તેમજ આ પર્વના પ્રથમ ચારેક દિવસ સુધી મોટી સંખ્યામાં માઇ ભક્તો અહીં આવી પહોંચે છે. મંદિર દ્વારા નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.