- ગણેશજીની વિસર્જન યાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ કરી શકાશે નહિ,
- બિભત્સ કે ધાર્મિક લાગણી દુભાય એવા ગીતો વગાડી શકાશે નહીં,
સુરતઃ શહેરમાં ગણેશોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. શહેરની મોટાભાગની સોસાયટીઓમાં પંડાલ બનાવીને ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગણોશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તો માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેને દરેક ગણેશ આયોજકોને કાળજીપૂર્વક અનુસરવું પડશે. પોલીસના જાહેરનામાં મુજબ ગણેજીની શોભાયાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ કરી શકાશે નહિ. આ ઉપરાંત ગણેશ મહોત્સવ દરમિયાન બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત કે ભાષણો, પ્રવચનો વગાડવા પર અને ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ ગણેશજીની મૂર્તિની સ્થાપના તેમજ વિસર્જના દિવસે ચાર વ્હીલર કરતા વધુ વ્હીલરના ટ્રેઇલરો ઉપર ગણેશજીની મૂર્તિઓ લઇ જવા ઉપર પ્રતિબંધ રહેશે. સાથે લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત કે ભાષણો, પ્રવચનો વગાડવા પર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરી શકાશે નહીં, ગણેશજીની મૂર્તિના સ્થાપના સ્થળોએ તેમજ વિસર્જનના દિવસે વિસર્જનયાત્રા દરમિયાન કોઇ પણ વ્યક્તિઓએ ગણેશજીની વિસર્જન યાત્રામાં જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે મકાનો/મિલક્તો ઉપર હાજર રહેલા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉડરને છુટા પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રીત કરી ઉડાડવા/છાંટવા કે ફેંકવા નહિ.
ગણેશજીની માટીની, પી.ઓ.પી.ની મૂર્તીઓ અને ફાયબરની મૂર્તિ નદી, તળાવ, કેનાલ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર તેમજ ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર પ્રતિબંધ રહેશે. સાથે ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.