- એક્ટિવા કેમ આ રીતે ચલાવે છે, કહી એક શખસે વેપારી સાથે બબાલ કરી,
- બે શખસો એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયાં,
- પોલીસે CCTV કૂટેજ મેળવીને કરી તપાસ
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં રામબાગ ફાટક પાસે રૂપિયા 15 લાખની લૂંટનો બનાવ બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો. વેપારી સ્કૂટરની ડેકીમાં 15 લાખની રોકડ લઈને જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા હેલ્મેટધારી એક શખસે વેપારીને સ્કુટર બરાબર કેમ ચલાવતા નથી એમ કહીને ઊભા ખીને બબાલ કરી હતી. દરમિયાન અન્ય બે શખસો આવ્યા હતા. અને વેપારીને વાતોમાં રાખીને ડેકી ખોલીને 15 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને નાસી ગયા હતા. વેપારી સીજી.રોડના ઇસ્કોન મોલના આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇને ઘરે જઇ રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહ રોડ પરની દેવ સ્ટેટસમાં રહેતા અરૂણભાઇ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ કરી છે. અરૂણભાઇની પત્નિ રૂપાબેન, દીકરો મોહીલ અને દીકરી જૈની સાથે રહે છે અને મોહીલ ટ્રેડર્સ નામની ઓફિસ ધરાવીને લોખંડ લે-વેચનો ધંધો કરે છે. અરૂણભાઇની ઓફિસ ઇન્કમટેક્ષ ગ્રામ્ય કોર્ટની સામે આવેલા લોહાભવનમાં આવી છે. મહાવીર જયંતી હોવાના કારણે અરૂણભાઇએ તેમની ઓફિસ બંધ રાખી હતી અને સવારથી તે ઘરે હતા. દરમિયાનમાં બપોરે હિંમતનગર ખાતે રહેતા જયેશભાઇનો ફોન અરૂણભાઇ પર આવ્યો હતો. જયેશભાઇએ લોંખડના સળીયા અને ગડરની જરૂરીયાત હોવાથી તેનો ભાવતાલ અરૂણભાઇને પુછ્યો હતો. ધંધાકીય વાતચીત બાદ જયેશભાઇએ વીસ ટન લોખંડ તેમજ પાંચ ટન ગડરનો ઓર્ડર આપવાનું કહેતા અરૂણભાઇએ 15 લાખ રૂપિયા ભાવ કહ્યો હતો. ભાવ આપતાની સાથેજ જયેશભાઇએ અરૂણભાઇને પુછ્યુ હતુંકે હું તમે આજે લોખંડના માલ પેટે એડવાન્સ પેમેન્ટ આપુ તો તમે મને લોખંડનો માલ ક્યારે મોકલાવશો. જયેશભાઇની વાત સાંભળીને અરૂણભાઇએ જવાબ આપ્યો હતો કે હું આવતી કાલથી લોખંડનો માલ મોકલાવીશ. અરૂણભાઇ સાંજે નવરંગપુરા ખાતે આવેલા દેરાસરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે જયેશભાઇનો ફરીથી ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે હુ તમને થોડીવારમાં લોખંડ પેટેના 15 લાખ રૂપિયા આંગડીયા મારફતે મોકલાવુ છું. અરૂણભાઇએ દર્શન કરી લીધા બાદ જયેશભાઇનો ફરીથી ફોન આવ્યો હતોકે મે તમને લોંખડ પેટેના 15 લાખ રૂપિયા એચ.એમ.આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા છે જેની મુખ્ય ઓફિસ સી.જી.રોડ ખાતે આવેલા ઇસ્કોન મોલમાં છે, થોડી વારમાં તમારા ઉપર ફોન આવશે તો તમે રૂપિયા મેળવી લેજો, અને મને સવારે માલ મોકલી આપજો.
થોડીવાર બાદ અરૂણભાઇના મોબાઇલ પર આંગડીયા પેઢીના કર્મચારીનો ફોન આવ્યો હતો અને હિંમતનગરથી તમારૂ પેમેન્ટ આવુ ગયુ છે તમે મેળવી લેજો. આંગડીયા પેઢીના કર્મચારીએ અરૂણભાઇનો ટોકન નંબર પણ આપ્યો હતો જેથી તે તરતજ આંગડીયા પેઢીની ઓફિસે પહોચી ગયા હતા. આંગડીયા પેઢીના કર્મચારીઓએ અરૂણભાઇનો મોબાઇલ નંબર વેરીફીકેશન કરીને 15 લાખ રૂપિયા આપી દીધા હતા. રૂપિયા એક્ટીવાની ડેકીમાં મુકીને અરૂણભાઇ ઘરે જઇ રહ્યા હતા ત્યારે પાલડી જૈનનગર રોડ પાસે એક બાઇક પર હેલમેટ પહેરીને શખસ આવ્યો હતો. બાઇક ચાલકે અરૂણભાઇને કહ્યુ હતું કે કેમ આ રીતે એક્ટીવા ચલાવે છે, તારૂ એક્ટીવા સાઇડમાં કર. બાઇક ચાલકે ઉતરીને અરૂણભાઇ તરફ આવ્યો હતો ત્યારે તેમણે પણ તેમનુ એક્ટીવા પાર્ક કર્યુ હતું. બાઇક ચાલક અરૂણભાઇ સાથે બબાલ કરી રહ્યો હતો ત્યારે બાઇક ઉપર બીજા બે શખસો આવ્યા હતા. બે શખ્સોએ અરૂણભાઇની એક્ટીવાની ડેકી ખોલીને તેમાથી 15 લાખ રૂપિયાને થેલો લઇ લીધો હતો. ડેકી ખોલતા જોઇને અરૂણભાઇ બાઇક ચાલકને પકડવા માટે ગયા હતા પરંતુ તે ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા. દરમિયાન બબાલ કરનારો બાઇક ચાલક પણ રફ્ફુચક્કર થઇ ગયો હતો. તહેવારના દિવસે આવેલા 15 લાખ રૂપિયા લૂંટાઇ જતા અરૂણભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. અરૂણભાઇએ તરતજ પોલીસ કંટ્રોલરુમમાં જાણ કરી દીધી હતી. પાલડી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને બાદમાં અરૂણભાઇની ફરિયાદના આધારે 15 લાખની લૂંટની ફરિયાદ નોંધી હતી.