વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા
- હરિયાણા વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસ બંનેને ઉમેદવાર બનાવે તેવી શકયતા
- વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયાં છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યાં હતા. આ દરમિયાન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બંને મહાનુભાવોને કોંગ્રેસ ઉમેદવાર બનાવીને મેદાનમાં ઉતારે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ પ્રમુખની મુલાકાત પહેલા જ રેલવેની નોકરીમાં રાજીનામું આપ્યું હતું. બંને ખેલાડીઓ બે દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યાં હતા. ત્યારથી બંને કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી હતી. તેમજ તેમને વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, હજુ સુધી પાર્ટી દ્વારા બંનેને ટીકીટ આપવા મામલે કોઈ ચોખવટ કરી નથી.
ઘણા સમયથી ચર્ચા ચાલતી રહી છે કે, વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાશે તો તેમને પોતાના હોમટાઉન ચરખી-દાદરીની બેઠક આપવામાં આવી છે. એટલું જ નહીં ફોગાટને જુલાના વિધાનસભા બેઠક ઉપરથી પણ ટીકીટ ફાળવવામાં આવે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. હાલ જુલાના બેઠક ઉપર જેજેપીના દુષ્યંત ચૌટાલા ધારાસભ્ય છે.
આ ઉપરાંત બજરંગ પુનિયાને કોંગ્રેસ બાદલી બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સીટ હાલ કોંગ્રેસ પાસે જ છે. હાલ આ બેઠક ઉપર કોંગ્રેસના કુલદીપ વત્સ ધારાસભ્ય છે. તાજેતરમાં જ કુલદીપ વત્સએ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ પોતાની ઉમેદવારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ એવુ પણ ચર્ચાય રહ્યું છે કોંગ્રેસ બજરંગ પુનિયાને ટીકીટ નહીં આવીને ચૂંટણી પ્રચારની મહત્વની જવાબદારી પણ સોંપી શકે છે.