યુપીના હાથરસમાં ભીષણ અકસ્માત, 12 લોકોના મોત
લખનૌઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં રોડવેઝની બસ અને મિની ટ્રક વચ્ચેના ભીષણ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. મુસાફરો હાથરસથી આગ્રા જઈ રહ્યા હતા. મીની ટ્રકમાં મુસાફરી કરી રહેલા લોકો સેવાલા ગામે પરત ફરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ કેન્દ્ર સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના અત્યંત દુઃખદાયક છે. પ્રધાનમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. પીએમ મોદીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “હાથરસ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.