હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયાં બાદ નેતાઓની નારાજગી સામે આવી હતી. ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
કૉંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલથી પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૉંગ્રેસમાં સામેલ થયેલી રેસલર વિનેશ ફોગટને જુલાનાથી ટિકિટ મળી છે. રાજ્યના પૂર્વ મંત્રી ગીતા ભુક્કલ ઝજ્જરથી ચૂંટણી લડશે. વર્તમાન ધારાસભ્ય ચિરંજીવ રાવને ફરી રેવાડીથી ટિકિટ આપવામાં આવી છે. હરિયાણા વિધાનસભાની તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે.