- સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના બંકર ધ્વસ કર્યાં
- છેલ્લા કેટલાક દિવસથી હિંસાના બનાવોમાં વધારો
નવી દિલ્હીઃ મણિપુરમં કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસક અથડામણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓછાવત્તા અંશે શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારત હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. રોકેટ હુમલાથી સર્જાયેલી ગભરાટનો હજુ અંત આવ્યો ન હતો ત્યારે શનિવારે સવારે ફરી એકવાર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસાની તાજેતરની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. હિંસક અથડામણની આ ઘટના રાજ્યના જીરીબામ જિલ્લામાં બની હતી. બીજી તરફ સુરક્ષા દળોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ચુરાચંદપુર જિલ્લામાં આતંકવાદીઓના 3 બંકરોને નષ્ટ કરી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મણિપુરના જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દરમિયાન બે હરીફ સમુદાયના સશસ્ત્ર લોકો વચ્ચે ગોળીબારની ઘટના બની છે, જેમાં 4 વ્યક્તિના મોત થયાં હતા. આમ ગોળીબારની ઘટનામાં પાંચ વ્યક્તિના મોત થયાં છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર એક અલગ જગ્યાએ એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ગોળી મારી દીધી હતી. અધિકારીએ જણાવ્યું કે, હત્યા બાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર બે હરીફ સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.