હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ
- આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે
- એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત
નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઈન્ડિ ગઠબંધનના સભ્ય છે. જેથી બેઠકોને લઈને બંને પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલી રહ્યાંનું મનાઈ રહ્યું છે, જો કે, બંને વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ હવે આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) હરિયાણાની તમામ 90 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે શનિવારે કહ્યું કે, પાર્ટી હરિયાણાની તમામ 90 સીટો પર ચૂંટણી લડશે. આગામી 1-2 દિવસમાં તેની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણામાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અટકી ગયું છે. પ્રિયંકા કક્કરે કહ્યું કે, હરિયાણામાં અમારી તૈયારી સારી છે. સુનીતા કેજરીવાલ લાંબા સમયથી હરિયાણામાં સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જો કે કોંગ્રેસ સાથે અમારી વાતચીત ચાલી રહી છે. અત્યારે કહેવું બહુ વહેલું છે. અમારી સંસ્થા જમીન પર મજબૂત છે. સુશીલ ગુપ્તાજી કુરુક્ષેત્રમાં સારુ કામ કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે વાટાઘાટો કેટલાક પરિણામો આપશે.