- ગામેગામ સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ હાથ ધરાશે,
- શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના શપથ લેશે,
- સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાશે
ગાંધીનગરઃ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક ગામો અને શહેરોમાં સ્વચ્છતા અભિયાન આદરવામાં આવશે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં પણ સફાઇ સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. જેના આયોજન માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં બેઠક યોજાઇ હતી. જેમાં ચર્ચા થયા મુજબ ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા વોક યોજાશે, તા. 10થી 13 સપ્ટેમ્બરે ‘બ્લેક સપોર્ટની ઓળખ’ની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ તા.14થી 21 સપ્ટેમ્બર સુધી દરેક સરકારી કચેરી, શાળાઓ, કોલેજોમાં સ્વચ્છતાના શપથ લેવડાવવા અને મહા સફાઈ શ્રમદાન ડ્રાઈવ પણ યોજાશે. તા.17 સપ્ટેમ્બરથી ખાસ મહા સફાઈ અભિયાન અંતર્ગત લોક પ્રતિનિધિ અને જાહેર જનતાના સહયોગથી સફાઈ કાર્ય કરાશે.
આ ઉપરાંત તા.18,19 સપ્ટેમ્બરના રોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરી સેનેટરી નેપકીનના સુરક્ષિત નિકાલ માટેનો વર્કશોપ યોજાશે. તા. 20, 21 સપ્ટેમ્બરના રોજ રીડ્યુસ અને રિસાયકલના વર્કશોપમાં વેસ્ટમાંથી બેસ્ટ કમ્પોસ્ટ બનાવવાની તાલીમ યોજવામાં આવશે. જ્યારે તા.22થી 25 સપ્ટેમ્બરે ‘કચરામાંથી કંચન’ સ્લોગન હેઠળ વેસ્ટ માંથી બેસ્ટ તથા કપડા ની બેગ ના ઉપયોગને પ્રોત્સાહન માટેના વર્કશોપનું આયોજન કરાયું છે. તા.26,27 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમાંથી બેસ્ટ, જાહેર સ્થળો અને સંસ્થાઓમાં વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી ઉપરાંત સેલ્ફી પોઇન્ટ ઊભા કરવા તથા જાહેર સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.