- પૂરફાટ ઝડપે આવેલી લકઝરી કારે અકસ્માત સર્જ્યો,
- અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો,
ગાંધીનગર: શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અતસ્માતનો વધુ એક બનાવ પેથાપુરના મહુડી રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી મર્સિડીઝ કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, પેથાપુરના મહુડી રોડ પર મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની શક્યતા છે. મર્સિડીસ કાર એટલા ધડાકાભેર અથડાઈ હતી કે, એક કાર તો રસ્તાની બાજુમાં જતી રહી હતી. જ્યારે બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો. પોલીસ સ્થળ તપાસ કરી રહી હતી. અને આસપાસના સીસીટીવી ફૂટેજમાં અકસ્માત કેદ થયો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ગોઝારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગાંધીનગર શહેરના રસ્તાઓ પહોળા છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી છે. તો પણ મર્સિડિઝ કાર કેટલી સ્પીડમાં હશે કે ચાલક સ્ટીયરિંગ પર કાબુ ન મેળવી શક્યો અને ત્રણ વાહનોને અડફેટે લઇ લીધા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા ત્યાં જોવા માટે આવી ગયા હતા.