- ખાંભા અને જાફરાબાદ તાલુકાના 5 ગામોને એલર્ટ કરાયા,
- સારા વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયા,
- સિંચાઈનો પ્રશ્ન ઉકેલાતા ખેડુતોમાં હર્ષની લાગણી
અમરેલીઃ જિલ્લામાં સતત અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલો રાયડી ડેમ 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખાંભા અને જાફરાબાદના પાંચ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચોમાસાની સીઝનમાં પહેલી વખત ડેમ ભરાતા આસપાસના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
અમરેલી જિલ્લામાં ખાભા તાલુકાના બામણબોર ગામ નજીક આવેલો રાયડી ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો ખોલાતા હેઠવાસમાં આવતા પાંચ ગામોને એલર્ટ કરાયા છે, જેમાં રાયડી ડેમ નીચે આવતા મોટા બારમણ,નાના બારમણ, ચોત્રા,નાગેશ્રી,મીઠાપુર, સહિત નદી કાંઠાના ગામડાને એલર્ટ આપી નદી કાંઠે અવર જવર ન કરવા માટે અને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામા આવી છે ઉપરાંત રાયડી સહિત ગ્રામ્ય વિસ્તારોમા આવેલી નદીઓમાં નવા નીર અને વધુ પાણીની આવક વધે તો નદીઓમાં પુર આવી શકે છે.
અમરેલી જિલ્લામાં ચોમાસાની પ્રથમ સીઝનમાં પ્રથમ ધારી નજીક શેત્રૂંજી નદી પરનો ખોડીયાર ડેમ છલકાયો હતો. જ્યારે વડીયા સુરવો ડેમ, રાજુલા ધાતરવડી ડેમ 1,ધાતરવડી ડેમ 2 અને ત્યારબાદ ખાંભા રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. આમ મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે જેના કારણે ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.