નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 54મી બેઠક, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમ પરના જીએસટી દરમાં ઘટાડા સહિત અન્ય ઘણી વસ્તુઓના દરોમાં ફેરફાર થવાની સંભાવના છે. જીએસટી કાઉન્સિલે ‘એક્સ’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ ઉપરાંત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રિમીયમ પર કરવેરા, દરોને તર્કસંગત બનાવવા અંગે મંત્રીઓના જૂથ (જીઓએમ)ના સૂચનો અને ઑનલાઇન ગેમિંગ આવક પર સ્ટેટસ રિપોર્ટ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ફિટમેન્ટ કમિટી જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમીયમ પર લાદવામાં આવેલા જીએસટ અને આવકની અસરો અંગે પણ અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. કાઉન્સિલની 53મી બેઠક આ વર્ષે જૂન મહિનામાં યોજાઈ હતી. બેઠકમાં જીએસટ કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટી ના સમાન દરની ભલામણ કરી હતી. આ સિવાય કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે સામાન્ય લોકો માટે ભારતીય રેલ્વેની સેવાઓ પર જીએસટી ન લગાવવો જોઈએ.