- 4 વર્ષથી કામગીરીમાં માત્ર 40 ટકા જ કામ થયું,
- મેટ્રો કામગીરી દરમિયાન નાના-મોટા 7 અકસ્માતો થયા, એકનું મોત,
- મેટ્રોને લીધે ટ્રાફિક સમસ્યા વકરી
સુરતઃ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં તો વધારો થયો છે. પણ શહેરીજનો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માસ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આકાર પામી રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થાય પછી લોકોને કેવી અને કેટલી સુવિધા મળશે એ તો ભવિષ્યની વાત છે. પરંતુ વર્તમાન સમયે મેટ્રોની કામગીરીથી શહેરીજનોને જોખમ અને જખમ બન્ને મળી રહ્યાં છે. મેટ્રોની ચાર વર્ષથી ચાલી રહેલી કામગીરી વચ્ચે આજદિન સુધી માત્ર 40 ટકા કામ થયું છે. તેની સામે અત્યાર સુધી નાના-મોટા સાત અકસ્માત થયા છે, જેમાં એક નિર્દોષ યુવાનનો ભોગ પણ લેવાયો છે.
સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. છેલ્લા 4 વર્ષથી મેટ્રોની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. અને હજુ માત્ર 40 ટકા જ કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી ક્યારે પુરી થશે એ કોઈ કહી શકે તેમ નથી. આડેધડ કામગીરીને લીધે નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. અત્યાર સુધી નાના-મોટા સાત અકસ્માત થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12 હજાર કરોડથી વધુ રકમના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન થયું છે. વર્ષ 2025ના અંત સુધીમાં ભેંસાણથી કાપોદ્રા સુધીનો એલિવેટેડ રૂટ કાર્યરત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તારીખ 18મી જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. 40.45 કિલોમીટરના બે રૂટ ઉપર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ તેના ચાર વર્ષનું સરવૈયું જોવામાં આવે તો 40 કિલોમીટરની લંબાઈના આ પ્રોજેક્ટની હજી સુધી માંડ 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરીથી શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રોની કામગીરીથી શહેરીજનો ત્રાસી ચૂક્યા છે. વિતેલા એક માસમાં જ બે મોટા અકસ્માત નોંધાયા છે. થોડા દિવસ પહેલા સારોલી ખાતે આવેલા મેટ્રો રેલના બ્રિજ ઉપર સ્પાન ગોઠવવાની કામગીરી દરમિયાન સ્પાન ક્ષતિગ્રસ્ત થયો હતો. આને કારણે બે સપ્તાહથી વધુ સમય માટે રસ્તો બંધ કરી દેવાતા સારોલી મેઈનરોડ સહિત આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. મેટ્રોના અધિકારીઓએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી હતી. આ ઘટનાને માંડ એક માસ પણ પૂરો થાય તે પહેલાં બીજો અકસ્માત થયો હતો. ગત 22 ઓગસ્ટના નાના વરાછા ચીકુવાડી પાસે મેટ્રો રેલના એલીવેટેડ રૂટના બે પીલર ઉપર લોન્ચર ગર્ડર ગોઠવતા સમયે ક્રેઇનનું બેલેન્સ ખોરવાઈ જતા લોન્ચર અને ક્રેઇનનું બૂમ ધડાકાભેર એક મકાન પર પડ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં મેટ્રોરેલની કામગીરી સામે રહીશો દ્વારા ફિટકાર પણ વરસાવામાં આવી રહ્યો છે. આ અકસ્માત બાદ તંત્રની બેજવાબદારી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે લોકમાં રોષ પ્રવર્તી રહ્યો છે. જેને પગલે અત્યાર સુધી મેટ્રોને કારણે શહેરમાં કેટલા અકસ્માત થયા તેની ચર્ચા શરૂ થઈ છે.