ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધરા ધ્રુજી, લોકોમાં ભય ફેલાયો
- ભૂકંપના આંચકાની તીવ્રતા 5.8 નોંધાઈ
- ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં નોંધાયું
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર પાકિસ્તાન હતું. ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ તેઓ ઓફિસ અને ઘરની બહાર દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પણ બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી હોવાનું જાણવા મળે છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ઉભા જોવા મળે છે. ભૂકંપ બુધવારે બપોરે 12:58 વાગ્યે આવ્યો હતો.