લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, શરતી જામીન મંજુર
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને કથિત દારૂ કૌભાંડમાં જામીન મળી ગયા છે. જો કે ઘરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે બંને ન્યાયાધીશોના મત અલગ-અલગ છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુનિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાન્તે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી, પણ જસ્ટિસ ભુઈનિયા તેની સાથે સહમત ન હતા. કોર્ટે કહ્યું કે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની નથી, તેથી તેને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું કોઈ વ્યાજબી નથી. કેજરીવાલે 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે.
બંને પક્ષોને સાભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચાર ના કેસમાં તેમની ધરપકડ અને જામીન નકારવાને પડકારતી બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. સીબીઆઈએ 26 જૂને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની ધરપકડ કરી હતી, જ્યારે તે EDની કસ્ટડીમાં હતો. બાદમાં તેમને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. પરંતુ સીબીઆઈ કેસમાં તેમની ધરપકડના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ હવે તેમની સામે પૂરતા પુરાવા છે અને સંબંધિત પુરાવાઓને જોતા એવું કહી શકાય નહીં કે ધરપકડ કારણ વગરની હતી કે ગેરકાયદેસર હતી. હાઈકોર્ટે તેને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહ્યું હતું. 5મી ઓગસ્ટના આ નિર્ણય સામે કેજરીવાલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના કેજરીવાલના આ નિર્ણય પહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, BRS નેતા કે કવિતા, AAPના સંચાર પ્રભારી વિજય નાયર જેવા આરોપીઓને કથિત દારૂ કૌભાંડ કેસમાં જામીન મળી ચૂક્યા છે.
નાણાકીય વર્ષ 2021-22 માટે બનાવવામાં આવેલી નવી દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપો છે. બાદમાં દિલ્હી સરકારે તેને રદ્દ કરી દીધો હતો. ED અને CBIનો આરોપ છે કે દારૂના વેપારીઓને અન્યાયી લાભો આપવામાં આવ્યા હતા અને બદલામાં તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ તેને કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે. જોકે, આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારે આરોપોને ફગાવી દીધા છે.