- રાજકોટમાં આરટીઓ ટ્રેક ચાલુ વર્ષે એક મહિનો બંધ રહ્યો,
- ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા માટેના કેમેરામાં વારંવાર સર્જાતી ક્ષતિ,
- અરજદારોનું વધતું જતું વેઈટિંગ લિસ્ટ
રાજકોટઃ ગુજરાતભરની આરટી કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના ટ્રેક વારંવાર ક્ષતિ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સર્વરમાં સર્જાતા વારંવાર ક્ષતિ તેમજ ટ્રેક પરના વર્ષો જુના કેમેરા કામ કરતા ન હોવાથી પાકા લાયસન્સના કામ માટે આવતા અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આરટીઓ અધિકારીઓ પણ હવે કંટાળી ગયા છે. પણ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓને કંઈ જ પડી નથી. વર્ષોથી ટ્રેકના મેઈન્ટેનન્સનો ક્રોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો નથી. રાજકોટની આરટીઓ કચેરીમાં છેલ્લા 6 મહિનામાં જ ડ્રાઈવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક સાતવાર બંધ થયો હતો. એટલે કે 6 મહિનામાં એક મહિનો ટ્રેક બંધ રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં આરટીઓ કચેરી ખાતે પાકું લાઇસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આપવા માગતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, આરટીઓ કચેરી ખાતેનો આ ટ્રેક વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે બંધ થઈ જાય છે. ચાલુ વર્ષે 19 માર્ચથી 6 સપ્ટેમ્બર એટલે કે, માત્ર 6 માસમાં 1 મહિનો એટલે કે, રજા સિવાયના ચાલુ 30 દિવસ ટ્રેક બંધ રહ્યો છે. જેનું કારણ એ છે કે, રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં વર્ષ 2017 બાદ ટ્રેક મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. જ્યારે રાજકોટમાં તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટેના કેમેરા પણ 13 વર્ષ જૂના છે. માત્ર 6 માસમાં જ ટેક્નિકલ ખામીને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અંદાજે 15,000 વાહનચાલકોનો લાઇસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની તારીખ પાછી ઠેલાઈ છે. જેને કારણે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું લાઇસન્સ કઢાવવામાં વિલંબ થાય છે અને તે દરમિયાન જો લાઇસન્સ વિના પોલીસ પકડે તો આકરો દંડ ભરવો પડે છે.
રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારીના કહેવા મુજબ ટેક્નિકલ ખામીઓને કારણે આરટીઓ કચેરી ખાતેનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઘણી વખત બંધ થઈ જાય છે. વર્ષ 2024માં 7થી વધુ વખત આ ટ્રેક બંધ થઈ ગયો છે. જેમાં RFID અને કેમેરા આવતા હોય છે. RFIDમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઇ તો ટ્રેક બંધ થતા હોય છે. ચાલુ વર્ષમાં ઘણી વખત ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક બંધ થયા છે. દૈનિક ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેની અંદાજે 500 અરજીઓ આવે છે. પરંતુ ટ્રેક બંધ થવાને કારણે આ અરજીઓ રિ-શેડ્યુલ કરવામા આવે છે. એટલે કે, આ અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી તારીખ આપવામાં આવે છે.