પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડૉ. માંડવિયા ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે
અમદાવાદઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રવિવારના રોજ પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ બેઠકનું આયોજન ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરવા માટે કર્યું છે, જેમાં શ્રમ સુધારાઓ, અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ), મકાન અને અન્ય નિર્માણ કામદારો (બીઓસીડબ્લ્યુ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ બેઠક ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાવિચારણાની શ્રેણીનો એક ભાગ છે, જેની શરૂઆત બેંગાલુરુમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, કેરળ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના દક્ષિણી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પ્રથમ પ્રાદેશિક બેઠકના આયોજન સાથે થઈ હતી. આ પછી ચંદીગઢમાં પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને રાજસ્થાનના ઉત્તરીય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બીજી પ્રાદેશિક બેઠક યોજાઈ હતી.
શ્રમ અને રોજગારીને લગતા મુખ્ય મુદ્દાઓ જેવા કે શ્રમ સંહિતા હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોમાં સુધારા-વધારા, અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષાના લાભો સરળતાથી મળી રહે તે માટે ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે ઈ-શ્રમ પોર્ટલની સ્થાપના, મકાન અને બાંધકામ કામદારોને વિવિધ કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓના વ્યાપનું વિસ્તરણ, રોજગારીની તકો માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ, રોજગારીનું માપન, આ બેઠક દરમિયાન કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી), રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એનસીએસ) હેઠળ પ્રદાન કરવામાં આવતી સેવાઓ અને સુવિધાઓને મજબૂત કરવા તથા રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન (ઇએલઆઇ) યોજનાઓનાં ઝડપી અમલીકરણ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ શ્રીમતી સુમિતા દાવરા તથા ભારત સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા સહભાગી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો ઉપસ્થિત રહેશે.