- ગુજરાતના સાહસિક યુવાઓ માટે સોનેરી તક,
- 14થી 18 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે,
- 25મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ પહોંચતા કરવાના રહેશે
સુરેન્દ્રનગરઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટીલા ખાતે પાંચમી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.
ચોટિલા ખાતે યોજાનારી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં જુનિયર વિભાગના 14થી 18 વર્ષના યુવક અને યુવતીઓ કે, જેઓ તા. 31/12/2024ના રોજ 14થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત નમુનામાં પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતેથી તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ 6353363567 નંબર પર વોટસએપ મારફત પણ ફોર્મ મેળવી શકાશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહી – સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે તારીખ : 25/10/2024 સુધી રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ/કુરિયર/પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે.
આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે, જેથી નિશ્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે તો એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલા ફોર્મવાળા સ્પર્ધકો ભાગ લઈ શકશે. અધુરી વિગતવાળા તથા ખોટી માહિતી વાળા, સહી સિક્કા વગરના ફોર્મ રદ્દ કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.