1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મોદક સ્પર્ધા, 69 વર્ષના વડિલ 19 લાડવા આરોગી ગયા
રાજકોટમાં મોદક સ્પર્ધા, 69 વર્ષના વડિલ 19 લાડવા આરોગી ગયા

રાજકોટમાં મોદક સ્પર્ધા, 69 વર્ષના વડિલ 19 લાડવા આરોગી ગયા

0
Social Share

રાજકોટઃ શહેરમાં રેસકોર્સ પર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. સિદ્ધિ વિનાયક ધામ દ્વારા લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 69 વર્ષના વડિલ 19 લાડવા ખાઈને પ્રથમ વિજેતા બન્યા હતા. આ ઉપરાંત બહેનોની સ્પર્ધામાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા. ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદળ ગામના 69 વર્ષીય ગોવિંદભાઇ લુણાગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે જડેશ્વર નજીક જીવાપર ગામનાં 45 વર્ષીય અશોકભાઈ રંગાણીએ 14.5 લાડવા જમીને બીજો ક્રમ મેળવ્યો હતો. તેમજ મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો. બહેનોમાં રાજકોટનાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ, 18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો.

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. ગણપતિ મહોત્સવનાં આઠમાં દિવસે બે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સાંજે 5 વાગ્યે બહેનો માટે પાણીપુરી સ્પર્ધામાં એક બહેન 3 મિનિટમાં 40 પાણીપુરી આરોગી હતી તો રાત્રે લાડુ સ્પર્ધા પણ યોજવામાં આવી છે. જેમાં 35 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં આપવામાં આવતા લાડુ ચોખ્ખા ઘીનાં હોય છે અને પ્રત્યેક લાડુનું વજન આશરે 100 ગ્રામ જેટલું હોય છે. સ્પર્ધા દરમિયાન લાડુ સાથે પાણી અને દાળ આપવામાં આવે છે તેમજ દરેક સ્પર્ધક દીઠ એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવે છે. લાડુ સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા.

પુરુષોમાં પ્રથમ ક્રમાંક મેળવનારા 69 વર્ષીય લાડુવીર ગોવિંદભાઇ લુણાગરિયા જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનું છું. ખેતી કરવાને કારણે આટલી મોટી ઉંમરે હું નિરોગી છું. આજે સવારથી હું સરપદળથી રાજકોટ આવી ગયો હતો અને મારા એક સંબંધીને ત્યાં માત્ર શરબત પીધું હતું. ગત વર્ષે મેં 21 લાડવા ખાઈને જીત મેળવી હતી. આજે સમય ન રહ્યો બાકી હજુ ઓછામાં ઓછા બે લાડવા ખાઈ શકું તેમ છું. પ્રથમ 10 મિનિટમાં માત્ર 5 લાડવા ખાવા તેવો નિયમ છે. બાકી 10 મિનિટમાં 11.5 લાડવા ખાઈ શકું તેમ છું.

મહિલાઓમાં પ્રથમ ક્રમ મેળવનાર સાવિત્રીબેન યાદવે જણાવ્યું હતું કે, આજે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ મેળવ્યો છે. છેલ્લા 6 જેટલા વર્ષથી ભાજપના ગણપતિ મહોત્સવની લાડુ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનુ છું. અને આજે પણ આ પરંપરા જાળવી રાખી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code