- રાત્રે ભૂવા મરામતની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી,
- વીજળીનો કેબલ કપાતા ગોરના કૂવા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો,
- સ્થાનિક લોકો લાઈટ અને પંખા વિના અકળાયા
અમદાવાદઃ શહેરમાં તાજેરમાં પડેલા વરસાદ બાદ મણિનગર વિસ્તારમાં રોડ પર ભૂવો પડ્યો હતો. અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભૂવાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન ભૂવામાં પાણીનું લિકેજ શોધવા માટે ખોદકામ કરતી વખતે વીજળીનો કેબલ કપાઈ જતાં ગોરના કૂવા અને રાજ ચેમ્બર્સ આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. અને કલાકો વિત્યા બાદ પણ વીજળી પુરવઠો પૂર્વવત ન થતાં સ્થાનિક લોકો લાઈટ-પંખા વિના અકળાયા હતા.
શહેરના મણિનગર વિસ્તારમાં ગોરના કુવા નજીક રાજ ચેમ્બર્સની સામે પડેલાં ભુવાના રીપેરીંગ દરમિયાન વીજ કેબલ કપાઈ જવાના કારણે અનેક દુકાનો અને મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અને છેલ્લા 14 કલાકથી વીજળી પુરવઠો પૂર્વવત ન થતાં લોકો અકળાયા હતા. આ મામલે વીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે, કલાકો વીત્યા બાદ વીજ પુરવઠો કાર્યરત ન થતા સ્થાનિક લોકોને લાઇટ પંખા વિના રહેવું પડ્યું હતું.
સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ ગઈ રાત્રે ભૂવાના રીપેરીંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન વીજ કેબલ કપાઈ ગયો હતો જેના કારણે આ વિસ્તારમાં લાઇટો જતી રહી હતી. આખી રાત લાઈટ અને પંખા વિના લોકોને રહેવું પડ્યું હતું. આજે સોમવારે સવારથી પણ લાઈટો ન હોવાના કારણે સ્થાનિક દુકાનદારો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં ગોરના કુવા રોડ પર પડેલાં ભુવાના રીપેરીંગ માટે ખોદવામાં આવેલા ખાડામાં એકાએક મોટી ભેખડ ઘસી પડતા મોટો વીજ કેબલને નુકશાન પહોંચતાં ફોલ્ટ થયો હતો. અનેક દુકાનો અને મકાનોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા લોકો હેરાન થયા હતા. જોકે વીજળી કેબલ કપાઈ ગયો હોવાથી વીજળી કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.