- જેલમાં બંધ ગણેશ ગોંડલની જીત,
- પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોએ વિજય મેળવ્યો,
- કોંગ્રેસ પ્રેરિત પેનલનો પરાજ્ય
રાજકોટઃ ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનાં તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની પેનલની કારમી હાર થઇ છે. ચુંટણીમાં અપક્ષ ઉમેદવારની ડીપોઝીટ ડુલ થઇ છે
ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી ગત રાત્રિના 8:30 કલાકે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. અને આજે વહેલી સવારે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. આ સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યું છે. ભાજપની પેનલનો જયજયકાર થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનો વિજય થતા ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચુંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે. આ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે. છેલ્લાં ચાર વર્ષમાં ચેરમેન અશોક પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઇન્ટ બન્યો છે.
ધારાસભ્ય ગીતાબાએ જણાવ્યું હતું કે, ગણેશભાઈએ જેલમાંથી ફોર્મ ભર્યુ છે તો કંઈ ખોટું નથી કર્યું, લોકશાહીમાં સૌને હક હોય છે અને કોઇપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. કાયદા કાનૂનની રીતે જે રીતે ફોર્મ ભરવાનું છે તે રીતે જ ભર્યું છે. તેમજ લોકોએ એમને આગ્રહથી જ ભરાવ્યું છે ના ગણેશની કોઈ માગ હતી ને કે ના તેના પરિવારની. પણ લોકોની ઇચ્છાથી અને ભાજપના કાર્યકર્તાઓના તેમજ ભાજપે આપેલા મેન્ડેટથી ગણેશે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
મતગણતરીને લઈને કડવા પટેલ સમાજમાં 30 બુથ ઊભા કરાયાં હતાં. ચૂંટણી અધિકારી જે.બી.કાલરિયાના માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકના 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડના કર્મચારીઓને કામે લગાડ્યા હતા. ચૂંટણી ઉત્તેજનાકત્મક બની રહી હોઇ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ હતી.