- અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી હિંસા યથાવત
- કાબુલમાં ટ્રક બોમ્બિંગથી તાલિબાનોનો હુમલો
- ગ્રીન વિલેજ કમ્પાઉન્ડ ખાતે વિદેશીઓને નિશાન બનાવવાની કોશિશ
સોમવારે રાત્રે કાબુલમાં તાલિબાનોએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રકને પીડી-9 ખાતે ઉડાવી દીધી હતી. આ તાલિબાની હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કરી છે.
તાલિબાની આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રકને ગ્રીન વિલેજ કમ્પાઉન્ડની દક્ષિણી દિવાલ નજીક બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રાહિમીએ કહ્યુ છે કે કાબુલના કાબિલ બાઈ વિસ્તારમાં આવેલા આ સ્થાન ખાતે ઘણી સંસ્થાઓ અને વિદેશીઓ માટેના ગેસ્ટહાઉસો આવેલા છે.
રાહિમિએ કહ્યુ છે કે આ હુમલામાં જીવ ગુમાવનારા 16 લોકોમાં સિવિલયન અને ગ્રીન વિલેજના કર્મચારોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અન્ય 119 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તાલિબાનોએ ટ્રક બોમ્બથી સોમવારે રાત્રે પોણા દશ વાગ્યે હુમલો કર્યો હતો. નજીકમાં આવેલુ ફ્યૂલ સ્ટેશન પણ આગની લપેટમાં આવી ગયું હતું.
અધિકારીઓ પ્રમાણે આ હુમલામાં પાંચ હુમલાખોરો સામેલ હતા અને તેમને અફઘાન સ્પેશયલ ફોર્સ યુનિટે ઠાર કર્યા હતા.
રાહિમિએ કહ્યુ છે કે અફઘાન પોલીસે 400 જેટલા વિદેશીઓને ગ્રીન વિલેજ કમ્પાઉન્ડ ખાતેથી બચાવ્યા છે.
તાલિબાન જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે. તાલિબાનોએ કાબુલ શહેરમાં વિદેશીઓને નિશાન બનાવવાની ધમકી પણ આપી છે.
ગ્રીન વિલેજ કમ્પાઉન્ડ પર જાન્યુઆરીમાં સુસાઈડ કાર બોમ્બરે હુમલો કર્યો હતો અને તેમા બે સુરક્ષાકર્મીઓ સહીત ચાર લોકોના જીવ ગયા હતા. તે હુમલામાં 114 જેટલા અન્ય લોકો ઘાયલ થયા હતા.