- છેલ્લા સવા મહિનામાં સુરતમાં 31 અને રાજકોટમાં 4 બોગસ ડોકટર પકડાયા,
- ગામડાંઓમાં પણ બેરોકટોક એલોપેથિકની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો,
- આરોગ્ય વિભાગ સક્રિય બને તે જરૂરી
અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા ગામડાઓ અને શહેરોના સ્લમ વિસ્તારોમાં ડિગ્રી વિનાના બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. છેલ્લા સવા મહિનામાં સુરતમાંથી 31 જેટલાં ડિગ્રી વિનાના બોગસ તબીબો પકડાયા છે. ઉપરાંત રાજકોટમાંથી પણ 4 બોગસ ડોકટર પકડાયા હતા, અમદાવાદ નજીક તો ડિગ્રી વિનાના તબીબનું મેટરનિટી હોમ પકડાયું હતું. ગામડાંઓમાં ઘણા બોગસ તબીબો પ્રેક્ટિસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ઘણા 10 ધોરણ સુધી ભણેલા બની બેઠેલા તબીબો એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ મામલે આરોગ્ય વિભાગે સક્રિય બનીને ડિગ્રી વિનાના બોગસ તબીબો સામે પગલાં લે તેવી માંગ ઊઠી છે.
ગુજરાતમાં માત્ર ગાંમડાઓમાં જ નહીં પણ હવે શહેરી વિસ્તારોમાં બેરોકટોક બિન્દાસ્તથી ડિગ્રી વિનાના બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાની ફરિયાદો ઊઠી છે. ઘણાં કિસ્સામાં તો આ બોગસ તબીબો માત્ર 8થી 10 ધોરણ ભણેલા હોય છે. સુરત શહેરમાં સવા મહિનામાં જ પોલીસે એક-બે નહીં, પરંતુ 31 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટમાં 6 મહિનામાં 4 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા પકડાયા હતા. બોગસ તબીબો પકડાયા બાદ ફરીવાર પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે. કહેવાય છે કે, સુરત શહેરમાં નવ મહિનામાં બોગસ ડોક્ટરના કારણે બે માસૂમનો ભોગ લેવાયો હતો. તેમજ અમદાવાદમાં એક બોગસ ડોક્ટરને લીધે બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો. ગામડાંઓમાં તો લોકોને બોગસ ડોકટર હોવાની જાણ થતી જ નથી. લોકો ડોકટરને ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે. અને ડોકટરે આવેલી દવાઓ લેતા હોય છે. બોગસ તબીબો દર્દીઓને જરૂર ન હોય તો પણ અન્ટિબોયોટિક દવાઓ આપતા હોય છે.
રાજકોટ શહેરમાં તો માત્ર 12 પાસ કરી પોતાનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કહેવા મુજબ બોગસ ડોક્ટરોને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે સરકારે જ નિયમો સખત કરવાની જરૂર છે. રાજ્યના આરોગ્ય વિભાગે સક્રિય બનીને બોગસ તબીબો સામે ઝૂંબેશ હાથ ધરવાની જરૂર છે. આરોગ્ય વિભાગનું કામ પોલીસ કરી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા શહેરના બોગસ ડોક્ટરો સામે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં 31 જુલાઈ 2024ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 16 જેટલા ડોક્ટરોની ધરપકડ કરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ પાંડેસરા પોલીસે લોકોની જિંદગી સાથે ચેડા કરનાર 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. માત્ર સવા મહિનામાં 31 જેટલા ડોક્ટરોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ ડોક્ટરોએ જામીન મેળવી ફરીથી પોતાની દુકાન શરૂ કરી દીધી હતી