- આખલાએ મહિલાને શિંગડે ભેરવીને ફંગોળતા મહિલા બસ નીચે કચડાઈ,
- જાહેરમાં ઘાસચારો વેચાતો હોવાથી રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો,
- રખડતા ઢોર પકડવામાં પાલિકા નિષ્ક્રિય
થરાદઃ બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વરકી રહી છે. ત્યારે થરાદમાં હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતાં મહિલા બસ નીચે આવી જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. નગરપાલિકાના તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાવ પુરતી જ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે.
બનાસકાંઠાના થરાદ શહેરમાં રખડતાં ઢોર અને જાહેર જગ્યાએ ઘાસચારો લઇને બેઠલા લોકોના કારણે બજારમાં રખડતાં ઢોર વધી જતાં અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લીધી હતી. આ દરમિયાન સામેથી આવતી એસ.ટી બસ નીચે મહિલા આવી ગઇ હતી. આખલાએ શિંગડે ભરવ્યા બાદ મહિલાને ફંગોળતા મહિલા રોડ પર પટકાઈ હતી. દરમિયાન એસટી બસના ટાયર નીચે મહિલા કચડાઈ ગઈ હતી. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ કરાતા તાત્કાલિક 108 ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક વેપારીઓ અને લોકોએ જણાવ્યું હતું કે, હવે તો હદ થઇ ગઇ છે. બજારમાં રખડતાં ઢોર અને આવક મેળવવા આવતાં ઘાસચારો લઇને લોકોથી અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. આ બાબતે નગરપાલિકા કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે.
થરાદમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરને લીધે ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની માત્ર દેખાવ પુરતી જ કામગીરી કરવામાં આવે છે. જો નક્કર કામગીરી કરવામાં આવે તો જ રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ શકે તેમ છે.