મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પ. બંગાળનાં કેટલાંક ભાગોમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું
મુંબઈઃ મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ ઘરની બહાર જવાની વિનંતી કરી છે. દરમિયાન હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, અરૂણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમી મધ્યપ્રદેશમાં આવતી કાલ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેશે.