- કડીના બન્ને અન્ડરબ્રિજમાં પાણી ભરાતાં 5 કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો,
- દર વખતે સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે,
- એક મહિનાથી રેલવે બ્રોડગેજનું કામ પણ ચાલુ હોવાથી લોકો પરેશાન
મહેસાણાઃ કડી શહેરમાં ગઈ રાતના સમયે ભારે વરસાદ પડતા શહેરના બન્ને અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં 5 કિમી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કડીના થોળ રોડથી મામલતદાર કચેરી થઈને છત્રાલ હાઈવે જોડતો અંડરબ્રિજ તેમજ કડી થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. આ સમસ્યા ઘણા સમયથી જોવા મળી રહી છે.
કડીમાં ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વિકટ બની રહી છે. કડી શહેરમાં સામાન્યથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. તેમજ કડીમાં આવેલા બે અંડરબ્રિજોમાં પણ પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો જાણે ટ્રાફિકમય બની જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં અને 3થી 5 કિલોમીટર સુધી ભારે વાહનો તેમજ નાનાં વાહનોની લાઈનો જોવા મળી હતી. કડી શહેર અને તાલુકામાં ગઈકાલે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સૂસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રમઝટ બોલાવી હતી. જ્યારે દોઢ ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. કડીમાં સામાન્ય વરસાદ પડે કે અતિભારે વરસાદ પડે તરત જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે ટ્રાફિકજામ થઈ જાય છે. કડી શહેરમાં બે અંડરબ્રિજો આવેલા છે. જેમાં થોળ રોડથી મામલતદાર કચેરી થઈને છત્રાલ હાઈવે જોડતો અંડરબ્રિજ તેમજ કડી થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજમાં ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ જાણે બંને બ્રિજ માથાનો દુખાવો બની ગયા હોય તેવો અનુભવ શહેરીજનોને થાય છે. થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજ અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાંની સાથે જ ટ્રાફિકજામ થઈ જાય છે. એક મહિનાથી રેલવે બ્રોડગેજનું કામ પણ ચાલુ હોવાથી લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે. તેવામાં વરસાદ વરસતાની સાથે જ બંને અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.