- ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દુર,
- ડેમમાં 1.03 લાખ ક્યુસેક પાણીની આવક,
- તાપી નદીમાં જળ પ્રવાહ વધતા સુરતને એલર્ટ કરાયું
સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મધરાતે ડેમમાં પાણીની આવક વધીને 1.03 લાખ ક્યુસેક થઈ ગઈ છે. ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક ફૂટ વધીને 344.05 ફૂટે પહોંચી છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 52 રેઈનગેજ સ્ટેશનો પર ચોવીસ કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડયો છે, તેમજ મહારાષ્ટ્રના ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી 1 લાખ ક્યુસેકથી વધી થઈ ગઈ છે. ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક ફૂટ વધીને 344.05 ફૂટે પહોંચી છે. ગત કાલે સવારે ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. બાદમાં પાણી છોડવાનું બંધ કરી ડેમને ભરવા દેવામાં આવી રહ્યો હતો. દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો. રાત્રે 12 વાગ્યાથી ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. વિતેલા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. ડેમ 345 ફૂટે પુરેપુરો ભરાય છે, ત્યારે હાલ સપાટી 344.05 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી હવે ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને થતી પાણીની આવક ઉપર તંત્ર પણ નજર રાખીને બેઠું હોય છે. હાલ ઉકાઈ ડેમની સપાટી એક ફુટ જ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ગતરોજ બપોર બાદ ધીમે-ધીમે પાણી છોડવાની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.