- વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન,
- ટોલટેક્સ ભરવા છતાંયે હાઈવેને મરામત કરાતો નથી,
- હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ નિષ્ક્રિય
ચોટિલાઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા પાસે ઠેર ઠેર ખાડાથી વારંવાર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વાહનચાલકો હાઈવે પર ટોલ ટેક્સ ભરતા હોવા છતાંયે હાઈવે પરના ખાડા કેમ પુરવામાં આવતા નથી. આ અંગે સ્થાનિક લોકોએ હાઈવે ઓથોરિટીને રજુઆતો પણ કરી છે. છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ચોટિલા નજીક હાઈવે પર વધુ ખાડા જોવ મળી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર પડેલા ખાડાંઓને લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અમદાવાદથી રાજકોટ વચ્ચેના આ મુખ્ય હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહનચાલકોને ધીમી ગતિએ વાહનો ચલાવવા પડતા હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી જાય છે.
ચોટિલાના સ્થાનિક લોકોના કહેવા મુજબ ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે. તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે. જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે છે. જો ભારે વરસાદ હોય તો મોટા મોટા ખાડાઓ પડી જાય છે. જેથી ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે. ચોટીલા હાઈવે પર ટોલ ટેક્સ ભરવા છતાં હાઈવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે ? તેને લઈને વાહનચાલકો સવાલ કરી રહ્યા છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા તાકીદે આ કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ હાઈવેથી પસાર થતાં વાહનચાલકો અને ચોટીલા નગરજનોએ ઉઠાવી છે.