- દ્વારકામાં મળેલી ક્વોરી ઉદ્યોગની બેઠકમાં લેવાયો નિર્ણય,
- સરકારને રોયલ્ટીની કરોડોની આવક છતાયે પ્રશ્નો ઉકેલાતા નથી,
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ 2જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં ક્વોરી ઉદ્યોગકારોની દ્વારકા ખાતે બંઠક મળી હતી ક્વોરી ઉદ્યોગ અચોકકસ મુદત માટે બંધ કરવાના નિર્ણય લીધો હતો. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતનો વિકાસ અને કન્સ્ટ્રક્શન કામ ઠપ થવાની પણ દહેશત જોવા મળશે.
ગુજરાત ક્વોરી એસો.ના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના વિકાસના કામોમાં અગ્રેસર ક્વોરી ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો બાબતે સરકાર આંખ મિંચામણા કરી રહી છે. રાજ્યની 60 ટકાથી વધુ ક્વોરી લીઝના એટીઆર લોક કરતા ઉદ્યોગકારોમાં અસંતોષ વ્યોપ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતા રોડ, કન્સ્ટ્રક્શન, બુલેટ ટ્રેન, રેલવે જેવા પ્રોજેક્ટનો માટેનું અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના 200થી વધુ ક્વોરી અને ખાણ ઉદ્યોગ રૂ.6 કરોડની રોયલ્ટી અને જીએસટી આપીને સરકારની તિજોરીમાં છલકાવી રહી છે. તેમ છતાં ક્વોરી ઉદ્યોગોના પ્રશ્નો બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. સરકારે ગઈ તા, 17 મેના રોજ થયેલા સમાધાન મુજબ વણઉકેલ્યા પ્રશ્નો બાબતે કોઇ ઉકેલ ન લાવતા ગુજરાત ક્વોરી એસોસિયેશન લડકાય મિજાજમાં આવ્યું છે.
ગુજરાતના ક્વોરી ઉદ્યોગના માલિકોની 28 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારાકામાં બેઠક મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયએ ક્વોરી લીઝના એટીઆર બંધ કરતા તમામ ક્વોરી ઉદ્યોગ શરૂ ન કરવા અને સમાધાન કરેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્વોરી માલિકો વેપાર ઉદ્યોગ તા. 1 ઓકટોમ્બરની મધ્યરાત્રીથી બંધ કરવા કરવાનું એલાન કરતા તમામ ક્વોરી માલિકો સહમત થયા હતા. સરકાર પ્રશ્નોનો ઉકેલ ન લાવે ત્યા સુધી અચોકકસ મુદત માટે ક્વોરી ઉદ્યોગકારોએ ઉત્પાદન અને વેચાણ બંધ રાખવાના નિર્ણય કર્યો હતો. દ્વારકામાં મળેલી બેઠકમાં ઉપસ્થિત ક્વોરી માલિકો અને એસોસિયેશનના અગ્રણીઓએ દ્વારકાધિશના ચરણોમાં શીશ નમાવીને ક્વોરી ઉદ્યોગ અચોકકસ મુદત માટે બંધ કરવાના નિર્ણય લીધો હતો. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતનો વિકાસ અને કન્સ્ટ્રક્શન કામ ઠપ થવાની પણ દહેશત જોવા મળશે.