કંગનાની ‘ઇમરજન્સી’ પર બોમ્બે હાઇકોર્ટમાં 3 ઓક્ટોબરે સુનવાણી યોજાશે
મુંબઈઃ કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મ હજુ સુધી રીલીઝ થઈ શકી નથી જેને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ રિવાઈઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારોને અમલમાં મૂકવા તૈયારી દર્શાવી છે અને જરૂરી ફેરફાર સાથે આ ફિલ્મને સર્ટિફિકેશન માટે સીબીએફસીને મોકલવામાં આપ્યું છે જેને ધ્યાનમાં લઈ બોમ્બે હાઈકોર્ટે વધુ સુનાવણી 3 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે.
દેશવાસીઓની નજર હાલ તો કંગનાની આ ફિલ્મ પર છે. આ ફિલ્મ વર્ષ 1975માં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશભરમાં લદાયેલી કટોકટી પર આધારિત છે. અગાઉ સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક ભાગો પર વાંધો ઉઠાવ્યો હતો, જેથી નિર્માતા ઝી સ્ટુડિયોએ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
- શું છે આ સમગ્ર મામલો?
ફિલ્મ ‘ઇમરજન્સી’ના નિર્માતાઓએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સેન્સર બોર્ડ પર ફિલ્મનું પ્રમાણપત્ર મનસ્વી રીતે રોકી રાખવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ કહ્યું કે, સીબીએફસીએ તેમણે ઈ-મેલ દ્વારા પ્રમાણપત્ર આપ્યું હતું, પરંતુ ફિલ્મની રિલિઝના માત્ર 4 દિન પહેલા પ્રમાણપત્રની ફિઝિકલ કોપી આપવાનો ઇનકાર કર્યો હતો. આમ આ વિવાદને લઈને હાઈકોર્ટ શું નિર્ણય લેશે એ તો હવે આગામી 3 તારીખે જ જાણવા મળશે.