- ભોયરામાં લાગેલી ભીષણ આગ પહેલા માળ સુધી પહોંચી,
- ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ અગને કાબુમાં લીધી,
- બ્લોરની મદદથી ધુમાડો બહાર કાઢયો
અમદાવાદઃ શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં ભોંયરામાં કાપડના ગોદામમાં ભીષણ આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. જોતજોતામાં આગે ભોંય તળિયેથી પહેલા માળ સુધી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ કૂલિંગ કરીને ધૂંમાડો બહાર કાઢવા બ્લોરની મદદ લેવામાં આવી હતી
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર ડી માર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડીઓ સાથે ફાયટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ગોદામની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે તેમાં મોટા પ્રમાણમાં કાપડના જથ્થા સાથેનું ગોડાઉન કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેને મંજૂરી હતી કે કેમ તેને લઈને સવાલ ઊભા થયા છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે સવારે 7:00 વાગ્યાની આસપાસ ચાંદખેડા વિસ્તારમાં ડી માર્ટની પાછળ અવની બંગ્લોઝના નજીક કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. આસપાસના સ્થાનિક રહીશોએ આગ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ભોંયરામાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ હતી. દરમિયાન ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ હતા. આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ કાપડનું ગોડાઉન હોવાથી ભોયરામાં ખૂબ ધૂમાડો હોવાથી કામગીરી કરવામાં આવી રહી છે. બ્લોરની મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો. બે થી ત્રણ કલાક સુધી હજી કુલિંગ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી.