1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરીને નવી 7 મેડિકલ કોલેજો શરૂ કરાશે
સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરીને નવી 7 મેડિકલ કોલેજો શરૂ કરાશે

સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરીને નવી 7 મેડિકલ કોલેજો શરૂ કરાશે

0
Social Share
  • બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં સરકારે સુધારો કર્યો,
  • વધુ મેડિકલ કોલેજો શરૂ થતાં તજજ્ઞ તબીબો મળી રહેશે,
  • 300થી ઓછી બેડવાળી સરકારી હોસ્પિટલોનું વિસ્તૃતિકરણ કરાશે

 ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2016માં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હૉસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હૉસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિ બનાવવામા આવી હતી. આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે.

મંત્રીએ જણાવ્યું હતું કે , રાજ્યમાં હાલ બનાસકાંઠા-પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે. બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી રાજ્યમાં બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા –નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આ મેડિકલ કોલેજો શરૂ થવાથી રાજ્યની પ્રજાને જિલ્લા સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ તજજ્ઞ ડોકટરો દ્વારા મળી શકશે.    હાલમાં કાર્યરત બ્રાઉન ફીલ્ડ નીતિમાં પ્રજાલક્ષી મહત્વના સુધારા કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં
આવ્યો છે. જેમાં સગર્ભા મહિલાઓને પ્રસુતિ પછી 20 દિવસ સુધી તથા એક વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ ફ્રી સારવાર આપવાની રહેશે જે માટે જરૂરિયાત મુજબનું એન.આઈ.સી.યુ. બનાવવાનું રહેશે. ડાયાલીસીસની સેવાઓ માટે ઓછામાં ઓછું 10 પથારીનું યુનિટ બનાવવાનું રહેશે. શાળા આરોગ્ય ક્રાર્યક્રમના રેફરડ વિદ્યાર્થીઓના કિસ્સામાં હ્રદય, મગજ, કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ સિવાયની તમામ સારવાર ફ્રી આપવાની રહેશે. હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ધ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિ:શૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા આજુ બાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિ:શૂલ્ક બ્લડ પુરુ પાડવાનું રહેશે.

સંસ્થા દ્વારા હોસ્પિટલનુ સંચાલન સંભાળ્યાથી ટ્રોમાના દર્દીઓ તથા વાહન અકસ્માતના દર્દીઓને ફરજિયાતપણે નિ:શૂલ્ક સારવાર આપવાની રહેશે. બ્રાઉન ફિલ્ડ યોજના અન્‍વયે સંસ્થા દ્વારા હોસ્પિટલનું સંચાલન સંભાળ્યાથી નેશનલ મેડીકલ કમિશનના માપદંડો પ્રમાણે હોસ્પિટલના વિસ્તરણ કરવા ખૂટતી પથારીનાં બાંધકામ  માટે સરકારશ્રી દ્વારા કોઈ વધારાનુ અનુદાન ફાળવવામાં આવશે નહી.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની તમામ યોજનાઓનો અમલ કરવાનો રહેશે પરંતુ તે માટે યોજનાકીય ફંડ ફાળવવામાં આવશે નહિ. જો કે, હોસ્પિટલ PMJAY યોજના હેઠળની આવક જાળવી રાખવા માટે હકદાર રહેશે, જે તે હોસ્પિટલમાં રોગીઓને અપાતી સારવારની નિદાન ફી અને PMJAYની ફી પેટે થતી આવકની કૂલ રકમ પૈકી ર૫(પચ્ચીસ) ટકા રકમ જે-તે હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં જમા લેવાની રહેશે, જે તે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ નવી બનાવવાની રહેશે, સંસ્થાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ( રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 2021 અને તે હસ્તકના નિયમોનો, તેમાં વખતો વખતના થયેલ સુઘારાઓનો ચૂસ્તપણે અમલ કરવાના રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code