કેન્દ્ર સરકારે રચ્યો ઈતિહાસ, છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય સંભાળ પર સરકારી ખર્ચ ત્રણ ગણો વધ્યો
• સરકારી ખર્ચમાં વધારો આયુષ્માન ભારત જેવી પહેલનું પરિણામ છે.
• પ્રથમ વખત, આરોગ્ય પર સરકારી ખર્ચ ખાનગી ખર્ચ કરતાં વધી ગયો.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતમાં આરોગ્ય સેવા સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આરોગ્ય સંભાળ પર માથાદીઠ સરકારી ખર્ચ 2013-14માં 1,042 રૂપિયાથી ત્રણ ગણો વધીને 2021-22માં રૂપિયા 3,169 થયો છે. આ વૃદ્ધિ ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.
દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું છે કે આરોગ્ય પર સરકારી ખર્ચ ખાનગી ખર્ચ કરતાં વધી ગયો છે. સત્તાવાર માહિતી અનુસાર, દેશમાં આરોગ્ય સંભાળ પરના કુલ ખર્ચમાં સરકારી સ્વાસ્થ્ય ખર્ચનો હિસ્સો 2013-14માં 28.6 ટકાથી વધીને 2021-22માં 48 ટકા થયો છે.
આ સમયગાળા દરમિયાન, આરોગ્ય સંભાળ પર ખાનગી ખર્ચ 64.2 ટકાથી ઘટીને 39.4 ટકા થયો હતો. આ ફેરફાર લોકો પરના નાણાકીય બોજને ઘટાડવા અને નાગરિકો માટે આરોગ્યસંભાળને વધુ સુલભ બનાવવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
આરોગ્ય સંભાળ પર સરકારી ખર્ચમાં વધારો આયુષ્માન ભારત જેવી પહેલનું પરિણામ છે, જેના હેઠળ ભારતમાં 50 કરોડથી વધુ લોકોને રૂ. 5 લાખનું વીમા કવરેજ મળે છે.