- મંદીના વમળોમાં ફસાઈ ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝ,
- બે વર્ષમાં 25 હીરાઘસુઓએ આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો,
- ઘણાબઘા રત્નકલાકારોએ પરિવાર સાથે વતનની વાટ પકડી
સુરત: ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગે ભૂતકાળમાં અનેક ચડતી-પડતી જોઈ છે. તેમજ વ્યાપક મંદીનો પણ સામનો કર્યો છે. પરંતુ આ વખતની મંદીએ હીરા ઉદ્યોગની હવા કાઢી નાખી છે. હીરા ઉદ્યોગ વ્યાપક મંદીના વામળોમાં ફસાયો છે. ગુજરાતમાં સુરત હીરા ઉદ્યોગ માટે મહત્વનું શહેર ગણાય છે. ઉપરાત ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તો ગામેગામ હીરાની ઘંટીઓ જોવા મળે છે. ત્યારે મંદીને કારણે અનેક રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
સુરત શહેરમાં અનેક પરિવારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ કેટલાક મહિનાઓથી ચાલતી વ્યાપક મંદીને કારણે હાલ હીરા ઘસુ એટલે કે રત્નકલાકારોની માઠી દશા બેઠી છે. મંદીને કારણે ઉભી થયેલી આર્થિક સંકડામણમાં રત્નકલાકારો મોતને વ્હાલુ કરી રહ્યા છે. સુરતની એક ઓળખ એટલે હીરા ઉદ્યોગ. એ ઉદ્યોગ જેના પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે. એવો ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા છે. હીરા ઉદ્યોગે સુરત શહેરની એક આગવી છાપ ઉભી કરી હતી. તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવળમાં ફસાઈ ગયો છે. હીરા ઉદ્યોગની મંદીથી સૌથી ખરાબ સ્થિતિ રત્નકલાકારોની થઈ છે. હીરા ઘસૂઓના ઘર ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે. જે રત્નકલાકારો પહેલા આ ઉદ્યોગમાં મહિને લાખો રૂપિયાનું કામ કરી શક્તા હતા તેમણે હાલ નોકરી બચાવવાનો પ્રશ્ન આવી ગયો છે. સ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે છેલ્લા બે વર્ષમાં 25થી વધુ રત્નકલાકારોએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો છે.
વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિસિંગનું કામ સુરતમાં થાય છે. સુરતને હીરાનું હબ કહેવામાં આવે છે. પરંતુ જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હીરાનો કાચો માલ રશિયાથી આવે છે પરંતુ અનેક દેશોએ રશિયાના હીરા ખરીદવા પર પ્રતિબંધ મુકતા નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ઘટતાં તેની સીધી અસર રત્નકલાકારોના જીવન પર પડી છે. આ ઉદ્યોગના માલિકો પુરતા સ્ટોકના અભાવે વેકેશન લંબાવી રહ્યા છે. તો કામના કલાકો ઘટાડી દીધા છે. તો કેટલીક જગ્યાએ હીરા ઘસૂઓને નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે પોતાનું ઘર ચલાવતાં રત્નકલાકારોની સ્થિતિ વિકટ બની છે. હાલ સુરતમાં રત્નકલાકારોની એવી ખરાબ સ્થિતિ થઈ છે કે અનેક પરિવારો સુરત છોડીને વતનમાં જતાં રહ્યા છે. અનેક લોકોએ આ ઉદ્યોગ છોડીને નાસ્તાની લારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જે બચ્યા છે તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે દિવાલી અને ક્રિસમસ પર ખરીદી નીકળે અને ફરી આ ઉદ્યોગમાં તેજી આવે. (File photo)