અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ઇમરજન્સી કૉલ બૉક્સ મુકાયાં
ગાંધીનગરઃ અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કૉલ બૉક્સ મૂકવામાં આવ્યા છે. છેડતી અને મુશ્કેલીના સમયમાં મહિલાઓ આ ઇમરજન્સી બૉક્સનું બટન દબાવતા ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ માટે પહોંચી જશે. હાલમાં સિંધુભવન રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કુલ 167 બૉક્સ કાર્યરત કરાયા છે. જ્યારે વધુ કેટલાક આગામી ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર તેમને પ્રતિદિન મદદ માટેના સરેરાશ 30 કૉલ આવી રહ્યા છે.
અમદાવાદમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઈટ, પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેની ખાસીયત એ છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે. આ કોલ બોક્ષમાં વીડિયો કોલની પણ સુવિધા છે. જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવતીઓ અને મહિલાઓ સાથે થતા અત્યાચારને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી.