મુન્દ્રાથી આવતા ટેન્કરોમાંથી તેલની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 1.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
- ધ્રાંગધ્રાના નજીક હાઈવે પરની હોટલમાં ટેન્કરો ઊભા રાખીને તેલચોરી કરાતી હતી.
- તેલની ચોરી કરીને સાબુ બનાવતી ફેકટરીઓને તેલ વેચી દેવાતું હતું,
- ટેન્કરચાલકને મામુલી રકમ અપાતી હતી
સુરેન્દ્રનગરઃ કચ્છના મુન્દ્રા બંદર પરથી તેલ ભરીને આવતા ટેન્કરોમાંથી ચોરી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. મુંદ્રાથી અલગ અલગ પ્રકારના તેલ ભરીને હજીરા તથા છત્રાલ જતાં ટેન્કરોને ધ્રાંગધ્રાના પીપળી નજીક એક હોટેલના મેદાનમાં ઊભા રાખી ત્યાં ચાલતા તેલ ચોરીના કૌભાંડનો સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર અ્ને રાજકોટની ટીમે ભાંડાફોડ કરી પાંચ શખ્સને રૂ.1.57 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજકોટના મનીષ પટેલ સહિત પાંચ શખસો આ નેટવર્ક ચલાવતા હતા. આ કૌભાંડમાં પાંચ સહિત 13ના નામ ખૂલતા બાકીના આરોપીઓને પકડવા સીઆઇડી ક્રાઇમે તેની શોધખોળ શરૂ છે.
સીઆઈડી ક્રાઈમના સૂત્રોના જણાવ્યા મુજબ મુંદ્રાથી ટેન્કરોમાં પામોલીન તેલ, દિવેલ તેલ, સોયાબીન તેલ ભરી હજીરા જતી વખતે આ ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનર ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર પીપળી ગામના પાટિયા પાસે એક હોટેલની પાછળ મેદાનમાં ટેન્કર ઊભા રાખી ત્યાં ટેન્કરના સીલ ખોલી તેલ ચોરી કરાતી હોવાની માહિતી મળતાં સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી કેટલાક લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ પોલીસે સ્થળ પર પીપળીના અજમલ બાબુજી કોલી, રાજકોટના દેવપરાના મહેબૂબ બાબુ સુમરા, પીપળીના નરપત રાજાજી ઠાકોર, પ્રવીણ બાબુજી કોલી અને રાજસ્થાનના ગજરાજસિંગ બિરમસિંગ રાવતને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે બે ટેન્કર, એક છોટા હાથી વાહન તેમજ અલગ અલગ તેલના જથ્થા સહિત કુલ રૂ.1,57,38,099નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પાંચેયની સઘન પૂછપરછ કરતા તેલ ચોરીના નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના મનીષ પટેલ, રજાક, વિશાલ, મોરબીના વાય.બી.જાડેજા- યુવરાજસિંહ તથા ગાંધીધામનો સુરેશ આ કાળા કારોબારના સૂત્રધાર છે. આ શખસો ટેન્કરચાલક અને ક્લીનરને તેલ ચોરીના બદલામાં નિશ્ચિત રકમ આપતા હતા અને તેની લહાયમાં ટેન્કરચાલકો આ સ્થળે ટેન્કર લાવી તેલ ચોરી કરાવતા હતા. લાંબા સમયથી ગોરખધંધો ચાલતો હતો. ઉપરોક્ત પાંચ ઉપરાંત ટેન્કરના ચાલકો સહિત 13 શખ્સની સીઆઇડી ક્રાઇમે શોધખોળ શરૂ કરી હતી. રાજકોટના મનીષ પટેલે બે મહિનાથી હોટેલની જગ્યા ભાડેથી રાખી હતી. હોટેલના મેદાનમાં ટેન્કરમાંથી તેલ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. ઝડપાયેલા અજમલ કોલીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાજકોટના મનીષ પટેલે રામદેવ હોટેલના માલિક ઇમરાન પાસેથી બે મહિનાથી આ જગ્યા ભાડે રાખી હતી. કેટલું ભાડું ચૂકવાતું હતું તે અંગે અજમલ અજાણ હતો. મનીષ પટેલ હાથ આવ્યા બાદ અનેક સ્ફોટક હકીકત બહાર આવશે.
રાજકોટના દેવપરાના છોટા હાથીના ચાલક મહેબૂબ સુમરાને પોલીસે ઝડપી લીધો હતો. મહેબૂબે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મનીષ પટેલના કહેવાથી તે આ સ્થળે છોટા હાથી લઇને આવતો હતો. અહીંથી તેના વાહનમાં તેલ ભરેલા બેરલ ભરી તેલ અમદાવાદના નારોલમાં આવેલી સાબુની ફેક્ટરીમાં તેલ લઇ જતો હતો. આ સાબુની ફેક્ટરીના માલિકનું નામ રૂપારામ છે. વાહનના એક ફેરાના તેને રૂ.3500 ભાડું મળતું હતું.