- શાળા સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે,
- ખાનગી શાળાઓમાં 7 વર્ષથી ફી વધારો કર્યો નહીં હોવાનો દાવો,
- ફી વધારો અપાશે તો મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે
અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે. તેથી ફી નિર્ધારણ કમિટી પાસે ફીના સ્લેબમાં 50 ટકા વધારો કરવાની માગ કરવામાં આવી છે. જે કમિટી દ્વારા મંજુરી આપવામાં આવશે તો વાલીઓએ ફરી એકવાર વધુ ફી ભરવાની તૈયારીઓ રાખવી પડશે.
રાજ્યના શાળા સંચાલક મંડળે એફઆરસીએ નિર્ધારિત કરેલા ફીના સ્લેબમાં 50 ટકા વધારો કરવાની માંગ કરી છે. જે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સરકાર જો આ માંગ સ્વીકારે છે તો વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવું પડશે. વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન સમિતિનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પ્રાથમિકમાં 15 હજાર, માધ્યમિકમાં 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં 30 હજારના ફીનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. હવે આ ફી નિયમનને લાગુ કર્યાને 7 વર્ષ જેટલો સમય વિતી ગયો છે. હાલમાં એ ફી જ લાગુ છે. પરંતુ હવે તેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.
શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે “સરકાર દ્વારા રાજ્યમાં જ્ઞાન સાધના અને જ્ઞાન શક્તિ જેવી સ્કૂલો શરૂ કરવામાં આવી છે અને સરકારે આ શાળાઓમાં વાર્ષિક સાત ટકા ફી વધારો કરવા જણાવ્યું છે, એટલે સરકાર પણ એમ માને છે કે તેમના સરકારી પ્રોજેક્ટમાં પણ મોંઘવારી નડે છે અને તેને કારણે તેમને વધારો આપવો જરૂરી છે. ત્યારે ખાનગી શાળાઓમાં છેલ્લા સાત વર્ષથી કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, ત્યારે સાત વર્ષ બાદ શાળાના સ્લેબમાં 50 ટકા વધારો થવો જોઈએ.”
શાળા સંચાલક મંડળની માંગ છે કે, FRCએ ફી સ્લેબમાં પ્રાથમિક વિભાગમાં 15 હજારથી વધારી 22500, માધ્યમિક વિભાગમાં 20 હજારથી વધારી 30 હજાર, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 25 હજારથી વધારી 37500 કરવા આવે. ઉપરાંત ઉચ્ચતર વિભાગમાં સાયન્સ વિભાગમાં 30 હજારથી વધારી 45 હજાર ફી સ્લેબ નક્કી કરવામાં આવે. મહત્વનું છે કે, હાલ તો શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જો સરકાર આ રજૂઆત પર અમલ કરે અને સંચાલક મંડળની માંગ સ્વીકારે તો વાલીઓ પર ફી વધારાનો બોજ પડશે તે નક્કી છે.