- વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં,
- 2734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું,
- 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા
અમદાવાદઃ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે ૭,૬૭૨ ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. 2 થી 8 ઓકટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ત્યારે, આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે 7672 નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં 6,082 ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus heminious khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે.
ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. 10મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે 2705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ ૦7 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2325 રાધનપુર અને 2,113 ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે.
વધુમાં, આ વન અને અભયારણ્ય વિસ્તારમાં 2569 માદા ઘુડખર,1114 નર ઘુડખર,584 બચ્ચા અને 2206 વણ ઓણખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચા તેમજ 283 વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7672 ઘુડખર નોંધાયા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE- 2024માં લગભગ 15510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 2734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું, 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા છે.
ભારતીય ઘુડખર (Equus heminious khur)ની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં 45 થી 50 ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં 50 થી 70 કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે. સામાન્ય રીતે ટોળામાં વિચારતા ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે. ગુજરાતના એવા ગૌરવ એવા આ દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી સરકારની જ નહિ સાથે-સાથે સૌ નાગરિકોની પણ છે, તેવો મંત્રીએ અનુરોધ કર્યો હતો.