જન્મદિને કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મોત: માતા પિતાની હાલત ગંભીર
બેંગલોરઃ બેંગલોરમાં ભુવનેશ્વરી વિસ્તારમાં રહેતા પરિવારને કેક ખાવાથી ફૂડપોઈઝનીંગ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જેમાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તેનાં માતા-પિતાની હાલત નાજુક છે. બંને KIMS હોસ્પિટલના આઈ સી યુમાં દાખલ છે.
દંપતીની ઓળખ બલરાજ અને નાગલક્ષ્મી તરીકે થઈ છે. તેમના બાળકનું નામ ધીરજ હતું. બલરાજ સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. એક ગ્રાહકે કેકનો ઓર્ડર કેન્સલ કર્યો હતો, ત્યારબાદ બલરાજ કેક પોતાના ઘરે લઈ આવ્યા હતા. આ પછી તેણે પુત્ર ધીરજનો જન્મદિવસ ઊજવ્યો. માતા-પિતા અને બાળકે સાથે મળીને કેક ખાધી હતી. પછી ડિનર બાદ સૂઈ ગયાં હતાં. બીજા દિવસે સવારે ત્રણેયને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. ભારે દુખાવો થતા ચીસો પાડવા લાગ્યા. તેમની બૂમો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે માતા પિતા બલરાજ અને નાગલક્ષ્મી બેભાન થઈ ગયાં હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓને ફૂડ પોઈઝનિંગ થવાની આશંકા છે.
પોલીસનું કહેવું છે કે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેકને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, અને તેના પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે થશે.
ફુડ ડીલીવરી કંપનીએ કહ્યું કે બેંગલુરુમાં બનેલી ઘટનાથી અમે દુઃખી છીએ. અમારી સંવેદના પરિવાર સાથે છે. અમારી ટીમ પીડિતાના પરિવારને મળવા હોસ્પિટલ ગઈ હતી. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. અમે પણ આ મામલાની તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. ફૂડ સેફ્ટી અમારી પ્રાથમિકતા છે. અમે અમારા પ્લેટફોર્મ પર ફક્ત તે જ રેસ્ટોરન્ટનો સમાવેશ કરીએ છીએ જેની પાસે FSSAI લાઇસન્સ છે.