કાશ્મીર પર કાગારોળ કરનાર પાકિસ્તાનની પેલેસ્ટાઈનની પીઠમાં ખંજર ભોંકવાની તૈયારી, થૂંકેલુ ચાટી આપશે ઈઝરાયલને માન્યતા!
કોઈપણ દેશના સ્થાયી મિત્ર અને સ્થાયી શત્રુ હોતા નથી. વૈશ્વિક રાજકારણમાં દેશો વચ્ચેના સંબંધોમાં સ્થાયી હોય છે પોતપોતાના હિતો. દરેક દેશની વિદેશ નીતિનો આ મૂળમંત્ર છે. કાશ્મીર પર પાકિસ્તાનની કૂટનીતિક અસફળતા બાદ હવે ત્યાં પણ ઈઝરાયલને લઈને એક નવી ચર્ચા છેડાઈ ચુકી છે. કાશ્મીર પર પાકિસ્તાનને જ્યારે આરબ દેશોનો સાથ મળી રહ્યો નથી, તો તેવામાં પાકિસ્તાનની અંદર એક મોટો વર્ગ ઈઝરાયલને લઈને પોતાની વિદેશ નીતિ બદલવાની વાત કરવા લાગ્યો છે.
કાશ્મીર પર આરબ દેશોની ચુપકીદી બાદ પાકિસ્તાનની સામે આ ધર્મસંકટ પેદા થઈ ચુક્યું છે કે તે ઈસ્લામિક વિચારધારાની કથિત લડાઈને પાછળ છોડીને ઈઝરાયલની સાથે રાજદ્વારી સંબંધ કાયમ કરે અથવા નહીં. યુએઈએ તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરીક સમ્માન આપ્યું હતું. તેના પછી પાકિસ્તાનની અંદર વૈશ્વિક મુસ્લિમ એકતા પર સવાલ ઉભા થવા લાગ્યા છે. ફેબ્રુઆરીમાં ભારતે બાલાકોટમાં આતંકી સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, તો તે સમયે મુસ્લિમ દેશોના સૌથી મોટા મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન ઓઆઈસીએ નવી દિલ્હીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરીને પાકિસ્તાનને આંચકો આપ્યો હતો.
પાકિસ્તાની મીડિયામાં ઈઝરાયલને લઈને ચર્ચા તેજ બની છે. પાકિસ્તાની પત્રકાર કામરાન ખાને ટ્વિટર પર સવાલ કર્યો છે કે આપણે ઈઝરાયલ સાથે સંબંધો કાયમ કરવાના ફાયદા-નુકસાનની ચર્ચા કેમ કરી શકીએ નહીં? પાકિસ્તાની યૂઝર અનાયા ખાને ટ્વિટર પર લખ્યું છે કે શું કોઈએ ધ્યાન આપ્યું કે પીટીઆઈ અંદર ઈઝરાયલને માન્યતા આપવાની વાત ઉઠી રહી છે.
પાકિસ્તાન દશકાઓથી યહુદી દેશ ઈઝરાયલને માન્યતા આપવાની વિરુદ્ધ રહ્યું છે. ઈસ્લામાબાદમાં ઈજરાયલ પર બોલવું પણ ટેબુ માનવામાં આવે છે, પરંતુ હવે ઈઝરાયલની સાથે સંબંધ કાયમ કરવાની સંભાવના પર ચર્ચા શરૂ થઈ ચુકી છે. પાકિસ્તાની મીડિયામાં ભારત-ઈઝરાયલની ઘનિષ્ઠતાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે ઈન્ટેલિજન્સ એજન્સી ર઼ૉએ ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે 1968થી સંબંધો સ્થાપિત કર્યા છે. પરંતુ મુસ્લિમોની નારાજગીથી બચવા માટે તેને ક્યારેય જાહેર કર્યા નથી. ભાજપની સરકારના આવ્યા બાદથી ઈઝરાયલ સાથે સંબંધો ખુલ્લેઆમ મજબૂત કરાઈ રહ્યા છે. મોદી અને નેતન્યાહૂ એકબીજાને ગળે મળતા દેખાય રહ્યા છે.
પાકિસ્તાની અખબારે લખ્યું છે કે કાશ્મીરમાં પણ ઈઝરાયલ પોતાની ભૂમિકા અદા કરી રહ્યું છે. 31 ઓક્ટોબર-2017ના રોજ મેજર જનરલ યાકોવ બરાકે જમ્મુ-કાશ્મીરના નોર્ધન કમાન્ડ હેડક્વોર્ટરની મુલાકાત લીધી હતી અને ઈઝરાયલી દળને પાકિસ્તાનના પ્રોક્સીવોર મામલે જાણકારી આપવામાં આવી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે ઈઝરાયલ-ભારતની દોસ્તીની અસર ઓછી કરવા માટે પણ પાકિસ્તાન આ દેશની સાથે રાજદ્વારી સંબંધને કાયમ કરવા પર વિચારણા કરવા માટે મજબૂર થઈ ગયું છે.
ખુદ મુસ્લિમ રાષ્ટ્રવાદની ઉપજ પાકિસ્તાનના પહેલા વિદેશ પ્રધાન ઝફરુલ્લાહ ખાને ઓક્ટોબર-1947માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં યહુદી રાષ્ટ્રવાદના આધારે બનેલા દેશનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે પાકિસ્તાનથી અલગ પેલેસ્ટાઈનમાં યહુદી દેશ પ્રવાસીઓથી ભરેલો એક કૃત્રિમ દેશ બનશે. જો કે તેઓ ભૂલી ગયા કે ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે માનવીય ઈતિહાસમાં સૌથી મોટા પ્રમાણમાં વિસ્થાપન થયું હતું.
યુએનમાં ઝફરુલ્લાહ ખાને ઈઝરાયલ વિરુદ્ધ ઈસ્લામિક વિરોધની આગેવાની કરી હતી. તેમ છતાં ઈઝરાયલની વસ્તીના એલાન બાદ વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાને ટેલિગ્રામ મોકલ્યો હતો. જેથી તેમની સાથે કૂટનીતિક સંબંધ સ્થાપિત કરી શકાય. પરંતુ પાકિસ્તાન તરફથી જવાબ આપવામાં આવ્યો ન હતો.
પાકિસ્તાનના વિરોધાભાસ ઘણાં મોકાઓ પર સામે આવી ચુક્યા છે અને ઈઝરાયલ પણ આમા અપવાદ નથી. ઉદાહરણ તરીકે 1971માં ભારતથી હારીને બાંગ્લાદેશ ગુમાવવા છતાં પાકિસ્તાની એરફોર્સ 1967 અને 1973ના આરબ-ઈઝરાયલ યુદ્ધમાં પણ લડતી રહી હતી. ત્યારે પાકિસ્તાનનું કોઈપણ ભૂરાજકીય હિત દાવ પર લાગતું ન હતું.
80ના દશકમાં પાકિસ્તાનનો ઈઝરાયલને લઈને વિરોધાભાસ ચરમ પર જોવા મળ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન લિબેરશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થઈ રહ્યું હતું. તો બીજી તરફ પાકિસ્તાની જાસૂસી એજન્સી અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશનમાં મોસાદ સાથે કામ કરી રહી હતી.
બંને દેશોના નિર્માણના લગભગ પાંચ દશક પસાર થઈ ગયા બાદ 1 સપ્ટેમ્બર-2005ના રોજ પહેલીવાર અંકારામાં પાકિસ્તાન અને ઈઝરાયલના વિદેશ પ્રધાનોએ જાહેરમાં મુલાકાત કરી હતી. તે વખતે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસે પણ પાકિસ્તાન અને ઈઝરાયલ વચ્ચેની વાતચીતનું સ્વાગત કર્યું હતું. સૈન્ય તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં ઈઝરાયલને માન્યતા આપવાની ચર્ચા તીવ્ર બની હતી. તે આજે પણ ઈઝરાયલ સાથે કૂટનીતિક સંબંધ કાયમ કરવાના પક્ષધર છે.
2012માં એક ઈન્ટરવ્યૂમાં મુશર્રફે કહ્યુ હતુ કે શરૂઆતથી જ તેઓ પેલેસ્ટાઈનના ટેકેદાર રહ્યા છે. પરંતુ તેઓ વાસ્તવિકતામાં વિશ્વાસ ધરાવે છે અને જમીની હકીકતોને ચકાસતા રહે છે. 1948 બાદથી ઘણું બધું થઈ ચુક્યુંછે અને દરેકને પોતાની નીતિઓને બદલવાની જરૂરત હોય છે. એક જ સ્થાન પર રોકવાનું જોઈએ નહીં. ઈઝરાયલ હવે એક સચ્ચાઈ છે. મુસ્લિમ દુનિયાના ઘણાં દેશ આ વાતને સમજી ચુક્યા છે અને તેમના ઈઝરાયલની સાથે સંબંધ પણ છે. પાકિસ્તાનને પણ ઈઝરાયલ પ્રત્યે પોતાની કૂટનીતિ બદલવાની જરૂરત છે, કારણ કે તેનું અસ્તિત્વ છે અને આ સમાપ્ત થવા જઈ રહ્યું નથી.
અંકારામાં થયેલી મુલાકાત બાદ લગભગ દોઢ દશક વીતી ચુક્યા છે અને ઈઝરાયલ-પાકિસ્તાન આતંકવાદ વિરોધી ઈન્ટેલિજન્સ અને હથિયાર સમજૂતીઓ સુધી જ મર્યાદીત છે. પરંતુ ગત 12 માસથી ઈસ્લામાબાદમાં ઈઝરાયલ તરફથી મજબૂતાઈથી પગલા આગળ વધારવાની વાત થઈ રહી છે. ગત ઓક્ટોબર માસમાં ઈઝરાયલી પત્રકાર અવી સ્કાર્ફે એક ટ્વિટ બાદ અફવા ઉડાડ હતી કે ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ ગુપ્ત રીતે ઈસ્લામાબાદની મુલાકાત કરી રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી માસમાં પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ઈઝરાયલી અખબાર મારિવને કહ્યુ હત કે પાકિસ્તાન ઈઝરાયલ સાથે સામાન્ય સંબંધ ચાહે છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી ઈઝરાયલને લઈને પગલા આગળ વધારવા માટે જમીન તૈયાર કરતા દેખાઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યુ હતુ કે યુએઈએ કાશ્મીર પર નિર્ણય પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે કર્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધ ધાર્મિક ભાવનાઓથી ઉપર છે.
ઈમરાનના એક અન્ય વરિષ્ઠ પ્રધાન ફવાદ ચૌધરીએ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક લોકો ઈરાન અને અરબસ્તાન માટે વધારે ચિંતિત છે. આ દેશોની સાથે પીએમ મોદીના સંબંધોથી એ બોધપાઠ લેવાની જરૂરત છે કે તમારા માટે તમારા દેશથી વધારે મોટું કંઈ નથી. તમારી પોતાની સીમાઓ જ સૌથી વધારે પવિત્ર છે, ઉમ્માહ નહીં.
પાકિસ્તાને એવો પણ તર્ક આપ્યો છે કે જ્યારે પેલેસ્ટાઈન સહીત આરબ દેશો ભારત સાથે પોતાના સંબંધ મજબૂત કરી રહ્યા છે, તો પાકિસ્તાનની સામે ઈઝરાયલને માન્યતા નહીં આપવાની શું મજબૂરી છે. જો ખાડી દેશો પેલેસ્ટાઈનમાં ઈઝરાયલના વલણને જાણવા છતાં તેમની સાથે ઘનિષ્ઠતા વધારી રહ્યા છે, તો પાકિસ્તાન બહિષ્કારનો ઝંડો કેમ લઈને ચાલી રહ્યું છે? આ પણ માત્ર સંજોગ નથી કે આ ચર્ચા ઈમરાન ખાનની ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત અને ઈઝરાયલ- સાઉદી અરેબિયાની ઘનિષ્ઠતાની વચ્ચે શરૂ થયું છે.
બેનઝીર ભુટ્ટોથી લઈને પરવેઝ મુશર્રફ સુધી ઘણાં પાકિસ્તાની નેતાઓએ ભૂતકાળમાં ઘણીવાર પુનરોચ્ચાર કર્યો છે કે ઈસ્લામાબાદને આરબ દેશો સાથે મળીને ઈઝરાયલ પર કોઈ નિર્ણય કરવો જોઈએ. કાશ્મીર પર પોતાના દેશમાં ખરાબ રીતે ઘેરાયેલા પાકિસ્તાનની સરકાર ભારતની કૂટનીતિનો સામનો કરવા માટે ઈઝરાયલને પોતાની માન્યતા વેચવાનું પગલું ઉઠાવી શકે છે. જો કે પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારના સેના દ્વારા પરોક્ષપણે લેવાનારા ઈઝરાયલને માન્યતા આપવાના આવા પગલાનો પાડોશી દેશને વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ઈમરાન ખાનને પાકિસ્તાની સેનાનો લાડલો કહેવામાં આવે છે, તેવામાં ઘરેલુ કટ્ટરપંથીઓના વિરોધને દબાવવામાં તેમને મદદ મળી જશે. પાકિસ્તાની સેનાને પણ ઈઝરાયલની સેનાથી ઘણાં ફાયદા થવાની શક્યતા છે.
જો કે જ્યાં સુધી સાઉદી અરેબિયા ઈઝરાયલની સાથે સંબંધ કાયમ કરી લેશે નહીં, ત્યાં સુધી પાકિસ્તાન પગલું આગળ વધારી શકશે નહીં. વિશ્લેષકોનું કહેવું છે કે એવા સમયે કે જ્યારે ઈરાનને અલગ પાડવા માટે અમેરિકા અને સાઉદી અરેબિયા લાગેલા છે, તો પાકિસ્તાન અને ઈઝરાયલની આગામી ઔપચારીક મુલાકાતમાં પાંચ દશકાઓનો સમય લાગશે નહીં.