દિવાળીના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા રાજકોટ ડિવિઝન દ્વારા 100 એક્ટ્રા બસો દોડાવાશે
- રાજકોટ ડિવિઝન દ્વારા 25 ઓક્ટોબરથી એક્સ્ટ્રા બસો દોડાવાશે,
- ગ્રુપમાં પ્રવાસીઓ બુકિંગ કરાવશે તો સોસાયટી સુધી બસ સુવિધાનો લાભ અપાશે,
- એકસ્ટ્રા બસોનું સવાગણું ભાડુ વસુલાશે
રાજકોટઃ દિવાળીના તહેવારો અને વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ અસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે 100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 9 ડેપો પરથી વધારાની બસો મુકવામાં આવશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, સોમનાથ, દાહોદ, મંડોર અને છોટાઉદેપુરની બસમાં દિવાળી દરમિયાન વધુ ટ્રાફિક રહેતો હોવાથી એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ વધારાની બસોનો લાભ મુસાફરોને 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી મળી રહેશે. એસટીની એક્સ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે પરંતુ તે ખાનગી બસોના ભાડા કરતા ઘણું ઓછું હોય છે.
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામકના કહેવા મુજબ કે, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો થયો છે અને એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસોનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યુલ, બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડ્યુલમાં 100 બસોનો વધારો કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સ્થળે જવા માટે ૫૨ 52 કે તેથી વધુ પ્રવાસીઓ એકસાથે બસની જરૂરિયાત હોય તો તેમના ઉપડવાના સ્થળેથી પહોચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રુપ બુકિંગની સુવિધા જે તે ડેપો કક્ષાએ ઉપલબ્ધ છે. તેના માટે સ્થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. એટલે કહી શકાય કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને ખાનગી બસોમાં વધુ નાણાં ચૂકવી લૂંટાવવું ન પડે તે માટે વધુ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે. રાજકોટથી 20 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, દ્વારકા, ભુજ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી, મહુવા, ઉના, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે, ગોંડલથી 15 એક્સ્ટ્રા બસ જેમાં રાજકોટ, જુનાગઢ,સોમનાથ, અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુરના રૂટ્સ પર દોડાવાશે.