દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી
મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે, રતન ટાટાની વિનમ્રતા, ઉદારતા અને ઉદ્દેશનો વારસો ભાવિ પેઢીને પ્રેરિત કરતો રહેશે.
મહારાષ્ટ્ર સરકારે સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રતન ટાટાનાં અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટા, ટાટા સન્સના ચેરમેન એમિરેટ્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન હતા. ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિમાં સ્થાન પામતા ટાટાએ બે દાયકાથી વધુ સમય સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ટાટા ટ્રસ્ટનાં માધ્યમથી સખાવતી કાર્યોમાં ખૂબ રસ લેતા હતા. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સહિતનાં અનેક ટોચનાં સન્માનથી નવાજવામાં આવ્યા હતા.