- મ્યુનિ.એ ત્રણ તબક્કામાં દબાણ હટાવ ઝૂંબેશ આદરી,
- ત્રીજા તબક્કામાં 71 દબાણો હટાવાયા,
- ઘણા દબાણો પર છેલ્લા 30 વર્ષથી કબજો હતો
બરવાળાઃ બોટાદ જિલ્લાના બરવાળામાં હાઈવે આસપાસ મોટા દબાણો કરાયેલા હતા. જેમાં પ્રથમ તબક્કામાં 54, બીજા તબક્કામાં 12 મળી 66 જેટલાં કાચા-પાકા દબાણો હટાવ્યા હતા. જયારે, ત્રીજા તબક્કામાં 71 દબાણો હટાવાયા છે, નગરપાલિકાએ પોલીસની મદદ લઈને મેગા ડિમોલેશન હાથ ધર્યુ હતુ.
બરવાળા નગરપાલિકાએ ભાવનગર-અમદાવાદ હાઈ વે પરના દબાણો હટાવવા આદરેલી ઝૂંબેશના ભાગરૂપે ત્રીજા તબક્કામાં વધુ 71 દબાણો હટાવી સરકારી જગ્યા ખુલ્લી કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલાં આ મેગા ડિમોલિશન દરમિયાન દબાણકર્તાઓએ પોતાની રોજી છીનવાઈ હોવાના રોષ સાથે જેસીબી આડે સુઈને વિરોધ કર્યો હતો. પરંતુ, નગરપાલિકા તંત્રએ તમામ અવરોધો વચ્ચે દબાણો દૂર કર્યા હતા. આ દબાણોમાં ઘણાં દબાણો સ્થાનિક રાજકીય નેતાઓના પણ હોવા છતાં પાલિકાની આ કામગીરીને એક તરફથી આવકાર મળી રહ્યો છે બીજી તરફ, ખરેખર આ દબાણો અડચણરૂપ કે નડતરરૂપ ન હોવા છતાં તેમને હટાવવાના કારણે આ સ્થળેથી રોજી મેળવતાં ઘણાં પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાનો બળાપો પણ વ્યક્ત થઈ રહ્યો છે.
બરવાળામાં હાઈવે રોડ પર નગરપાલિકાની માલિકીની જગ્યા પર ખડકાયેલાં કાચા-પાકા મકાનો હટાવવા માટે તંત્ર એકાએક સક્રિય થયું હતું. પાલિકા તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને નોટિસ આપી સ્વૈચ્છીક દબાણ હટાવવા તાકિદ કરી હતી. પરંતુ સમયમર્યાદામાં દબાણો હટાવવામાં ન આવતાં તંત્રએ તબક્કાવાર દબાણો હટાવવાની પ્રક્રિયા આરંભી હતી. બરવાળા નગરપાલિકાએ ત્રણ તબક્કામાં આ રોડ પર નગરપાલિકાની જગ્યામાં ખડકાયેલાં 137 જેટલાં દબાણોને હટાવ્યા હતા. જેમાં પ્રથમ તબક્કામાં 54, બીજા તબક્કામાં 12 મળી 66 જેટલાં કાચા-પાકા દબાણો હટાવ્યા હતા. જયારે, ત્રીજા તબક્કામાં દબાણોની સંખ્યા 71 જેટલી હોવાથી તંત્રએ તમામ તૈયારીઓ સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. આ દબાણો પૈકી ઘણા દબાણો ૩૦ વર્ષથી વધુ સમયથી ખડકાયેલાં હતા. બીજી તરફ, અગાઉ બે વખત દબાણ હટાવ સમયે દબાણકર્તાઓ સાથે થયેલી તકરારને લઈ આ વખતે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલેથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી દબાણ હટાવ કામગીરીમાં પાલિકાએ 71 જેટલાં કાચા પાકા દબાણો હટાવ્યા હતા. જો કે, કેટલાક કિસ્સામાં દબાણકર્તાઓ દ્વારા વિરોધ થયો હતો. જેને તંત્રએ ધ્યાને લીધો ન હતો. એ જ રીતે કેટલાંક દબાણ હટાવતાં સમયે દબાણકર્તાઓ જેસીબી આડે સુઈ ગયા હતા અને રોજીરોટી છીનવાતી હોવાનો બળાપો કાઢી દબાણ ન હટાવવા માંગ કરી હતી. જો કે, પાલિકાએ તમામ અવરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે 71 દબાણોનો સફાયો કરી ત્રણ તબક્કામાં 137 દબાણોને હટાવ્યા હતા.