- સુરતમાં ફાફડા જલેબી વેચતા ઠેર ઠેર સ્ટોલ લાગ્યા,
- વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ સામે ફુડ વિભાગનું ચેકિંગ,
- ફાફડા જલેબીના નમુના લેવાયા એનો 20 દિવસે રિપોર્ટ આવશે
સુરતઃ શહેરમાં કાલે દશેરાના પર્વ પહેલા જ આજે શહેરમાં ફાફડા-જલેબીના ઠેર ઠેર સ્ટોલ લાગી ગયા છે. અને બે દિવસમાં લાખો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થશે. દરમિયાન મ્યુનિના ફુડ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. અને ફરસાણના 11 સ્ટોલ અને દુકાનોમાં ચેકિંગ કરીને ફાફડા અને જલેબીના નમુના લેવામાં આવ્યા હતા. આજે અને કાલે પણ ચેકિંગ ઝૂબેશ ચાલુ રહેશે.
દશેરને હવે માંડ ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત મ્યુનિ, કોર્પોરેશનના ફુડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની 11 દુકાનો પરથી ફાફડા-જલેબીની ગુણવત્તા ચકાસવા 20 નમૂના મેળવ્યાં હતાં. દશેરા પર સ્વાદના શોખીન સુરતીઓ લાખો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે. જો કે, પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ કઇ દુકાનના ફાફડા ખાવા યોગ્ય હતા અને કઇ દુકાનની જલેબી બિનઆરોગ્યપ્રદ હતી તેનો લેબ રિપોર્ટ 14 દિવસ પછી આવશે. જેટલો બને તેટલો ઝડપથી ફાફડા-જલેબીના સેમ્પલનો રિપોર્ટ રજૂ કરવા આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ હોવાનું ફૂડ વિભાગે જણાવ્યું હતું.
સુરત મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના અડાજણ, અને વરાછા વિસ્તારમાં ફરસાણની 11 દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને ફાફાડા અને જલેબીના સેમ્પલ લીધા હતા. તેમજ ફાફડા તળવામાં ઠંડા કરેલા એટલે કે બીજી વાર તેલનો ઉપયોગ કરાતો નથી તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત વેપારીઓને સ્વચ્છતા રાખવા પણ સુચના આપવામાં આવી હતી. ઘણા ફરસાણના વેપારીઓ ફાફડા પોચા બને તે માટે વોશિંગ પાવડરનો ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. આથી ફુડ વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ભાળસેળ કરવામાં આવી છે કેમ તેની ખબર પડશે.