- શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે,
- કેનાલમાં પાણી છોડવામાં આવે તો બોરૃકૂવા રિચાર્જ કરી શકાય,
- સરકારની મંજુરી મળશે તો કેનાલમાં પાણી છોડાશે
ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રૂંજી નદી પરનો શેત્રૂજી ડેમ છલાછલ ભરાઈ ગયો છે. નદીમાંથી ડેમમાં પાણીની જેટલી આવક થઈ રહી છે. એટલી જ જાવક કરવામાં આવી રહી છે. તેથી તળાજા પંથકના નહેરકાંઠા વિસ્તારના ખેડુતોએ શેત્રૂંજી ડેમનું ઓવરફ્લોનું પાણી જે નદીમાં છોડવામાં આવે છે. તેના બદલે કેનાલમાં છોડવાની માગ કરી છે. જો કેનાલને બેકાંઠે ભરેલી રાખવામાં આવે તો બોરૃકૂવા રિચાર્જ કરી શકાય તેમજ પાણીના તળ પર ઊંચા આવી શકે તેમ છે. એવી ખેડુતોએ લાગણી વ્યક્ત કરીને માગણી પણ કરી છે.
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે ગત વર્ષ કરતાં 71 દિવસ મોડો 30 સપ્ટેમ્બરના છલકાઈને 34 ફૂટની મહત્તમ સપાટી વટી જતાં ડેમની સપાટી જાળવી રાખવા વારંવાર ઓવરફ્લોનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન ડેમના ઓવરફ્લોનું 706 એમ.સી.એફ.ટી જેટલું પાણી દરિયામાં વહી ચૂક્યુ છે. અને સિંચાઈ વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ શેત્રુંજી ડેમના પાંચ દરવાજા એક ફુટ ખુલ્લા રખાયેલા છે જેના કારણે હજુ પણ શેત્રુંજી નદીવાટે પાણી છોડાઈ રહ્યું છે. જેને બદલે હવે ચોક્કસ માત્રામાં ઓવરફ્લોનું પાણી શેત્રુંજી નહેર વાટે પણ છોડવામાં આવે તે પાણી જરૂરિયાત વાળા ખેડૂતો પિયત માટે વાપરી શકે ઉપરાંત વહેતી નહેરનુ પાણી આજુબાજુ ની જમીનના ભૂગર્ભમાં ઉતરી શકે છે અને આ વિસ્તારના કૂવા, બોર, તળાવ રિચાર્જ કરવામાં ઉપયોગી થઈ શકે.
આ વર્ષે જિલ્લામાં ચોમાસામાં અનિયમિત અને ખંડ ખંડ વરસાદને કારણે એકંદર સો ટકાથી વધુ વરસાદ પડી ગયો છે પરંતુ તળાજા સહિત શેત્રુંજી નહેર કમાંડ વિસ્તારમાં જ્યાં જ્યાં સરેરાશથી ઓછો વરસાદ પડયો હોય એ વિસ્તારના ગામડાની જમીનોના ભુર્ગભ જળસ્તર ઊંચા આવે તે જરૂરી છે. દરમિયાન શેત્રૂંજી ડેમના જળ સિંચનના કાર્યપાલક ઈજનેરે કહ્યું હતું કે, ઓવરફલોનું પાણી નહેર વાટે છોડવા માટે ખેડૂતોની અને ગામડાઓની માગણી હશે તો નિયમ અનુસાર સરકારની મંજૂરી બાદ યોગ્ય માત્રામાં નહેર માં છોડવામાં આવે છે. હાલ કેટલીક નહેરોમાં પાણીનો જથ્થો પડેલો છે.