1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કાળુપુરમાં બીએરટીએસ બસમાં લાગી વિકરાળ આગ,
અમદાવાદમાં કાળુપુરમાં બીએરટીએસ બસમાં લાગી વિકરાળ આગ,

અમદાવાદમાં કાળુપુરમાં બીએરટીએસ બસમાં લાગી વિકરાળ આગ,

0
Social Share
  • BRTS બસમાં ધમાડો જોતા જ ડ્રાઈવરે આગ લાગ્યાની બુમ પાડી,
  • બસમાંથી પ્રવાસીઓ ત્વરિત ઉતરી જતા થયો બચાવ,
  • ફાયરના કાફલાએ દોડી આવીને આગને કાબુમાં લીધી

અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે ગુરૂવારે સવારે BRTS બસમાં એકાએક આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં બસમાંથી ધૂમાડો નીકળતા બસના ચાલકે બસને રોડ સાઈડ પર લઈને બુમ પાડી હતી કે બસમાં આગ લાગી છે. આથી બસમાંથી તમામ પ્રવાસીઓ ત્વરિત ઉતરી જતા તમામનો બચાવ થયો હતો. દરમિયાન BRTS બસમાં આગ લાગ્યાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાના કારણે પ્રેમ દરવાજા અને દરિયાપુર તરફથી કાલુપુર તરફ જવાનો રોડ 30 મિનિટ માટે બંધ કરવો પડ્યો હતો. ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડની ટીમને પણ પહોંચતા 10 મિનિટ મોડું થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  અમદાવાદ શહેરમાં BRTS બસ ભાડજથી નરોડા રૂટની હતી. બસમાં 10 પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા. બસ ચાલુ હતી ત્યારે પાછળના ભાગે સ્પાર્ક થયાનું જણાતા ધુમાડો નીકળવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરે સમય સૂચકતાથી મુસાફરોને બહાર કાઢી ફાયર એકસ્ટિંગવીશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે સવારે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે, પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જવાના રોડ પર ચોખાબજાર પાસે એક BRTS બસમાં આગ લાગી છે. જેથી ફાયર સ્ટેશનમાંથી ત્રણ જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. BRTS બસ જ્યારે ચોખાબજાર પાસે પહોંચી ત્યારે બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તાત્કાલિક ધોરણે બસને ઊભી રાખી દીધી હતી અને દરવાજા ખોલી પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાના કારણે આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજાથી કાલુપુર તરફ જવાના રોડ પર શાક માર્કેટ અને ચોખાબજાર તેમજ તેલબજાર એવી અનેક માર્કેટ આવેલી છે. જેના કારણે સવારે ખૂબ ટ્રાફિક હોય છે. પીકઅવર્સનો સમય હોવાના કારણે શાહપુર અને દિલ્હી દરવાજા તરફથી આવતા ટ્રાફિકમાં ફાયર બ્રિગેડની ટીમ 10 મિનિટ મોડી પડી હતી. આગ લાગવાના કારણે કાલુપુર તરફ જવાનો રોડ 30 મિનિટ માટે બંધ કરવો પડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code