- રવિપાકની વાવણી ટાણે જ ખાતરની અછત,
- ડેપો પર યુરિયા ખાતર લેવા ખેડુતોની લાગતી લાંબી લાઈનો,
- યુરિયા ખાતર બારોબાર વેચી દેવાતું હોવાનો ખેડુતોનો આક્ષેપ
ભૂજઃ કચ્છમાં ખરીફ સીઝન પુરી થતાં હવે ખેડુતો રવિ સીઝનના વાવેતરમાં જોતરાયા છે. સિચાઈની સુવિધા છે, એવા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતોએ યુરિયા ખાતર મેળવવા માટે ડેપો પર લાંબી લાઈનો લગાવી દીધી છે, દરમિયાન ખેડુતોએ આક્ષેપ કર્યો છે. કે, યુરિયા ખાતર ખાનગી કંપનીઓમાં પગ કરી જાય છે. સરકાર દ્વારા પુરતો જથ્થો ફાળવાતો હોવા છતાંયે ખેડુતોને યુરિયા ખાતર મેળવવા ફાંફા મારવા પડે છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા રાજ્યના અન્નદાતાઓ ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. જોકે, કચ્છમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. યુરિયા ખાતરનો જથ્થો ઓછો આવતા પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં ખેડૂતોની ખાતર મેળવવા લાંબી લાઈનો લાગી રહી છે. ખેડૂતોને તડકામાં હેરાન થવું ન પડે તે માટે ખેડૂતો પગરખાં લાઈનમાં લગાડતા પણ જોવા મળી રહ્યા છે. ખાતર વિતરણ સમયે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં હાલ યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી રહી છે. હાલ રાજ્યમાં ખાતરની અછતને લઈ ખેડૂતોના કહેવા મુજબ યુરિયા ખાતરના જથ્થાને ડિસ્ટીબ્યુટરો બારોબાર કાળા બજારમાં વેચી રહ્યા છે. વધુમાં કહેવાય છે કે, યુરિયા ખાતરને પ્લાયવુડની કંપનીમાં વેચી દેવામાં આવે છે. ખેડૂતોએ અપૂરતા ખાતરના જથ્થા અને તેની સાથે ફરજિયાત નેનો ખાતર ખરીદવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ખાતરના જથ્થાની અછતને કારણે અનેક ખેડૂતો ખાતર વિના પરત ફર્યા હોવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ કચ્છના અંજાર તાલુકાના લાખાપરમાંથી 2 દિવસ પહેલા ખાતરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.
નાયબ ખેતી વિસ્તરણ અધિકારીના કહેવા મુજબ કચ્છમાં જિલ્લામાં રેગ્યુલર રીતે ખાતર સપ્લાય થઈ રહ્યું છે અને ખાતરનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો હાલ કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ છે. ઓક્ટોબર મહિનામાં રાપરમાં 1041 મેટ્રિક ટન યુરિયા, 450 મેટ્રિક ટન ડીએપી, એનપીકે 1045 મેટ્રિક ટન સપ્લાય થયેલું છે. આ સિવાય જિલ્લામાં 17000 મેટ્રિક ટન યુરિયાની ખપત હોય છે. જેમાં અત્યાર સુધી 8127 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરી દેવામાં આવ્યું છે. મહિનાના અંત સુધી જરૂરિયાત મુજબ ખાતર સપ્લાય કરી દેવામાં આવશે. (file photo)