દિવાળીના તહેવારમાં લોકોમાં મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓની માંગ વધી
નવી દિલ્હીઃ ભારતમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને કારણે દિલ્હી સહિતના મોટા બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળે છે. દરમિયાન, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દેશભરના વિવિધ બજારોમાં ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. દરમિયાન દિવાળીના તહેવારમાં લોકો મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યાં છે. સીટીઆઈનું અભિયાન અને દેશની જનતામાં આવેલી જાગૃતિને કારણે ચીનને દિવાળીના તહેવારમાં ભારે નુકશાન થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
દિલ્હીના કનોટ પ્લેસમાં સીટીઆઈએ લોકોને ચાઈનીઝ ઉત્પાદનોની ખરીદી બંધ કરવા માટે જાગૃત કર્યા હતા, આ સાથે જ સીટીઆઈ પ્રમુખ બ્રિજેશ ગોયલે કહ્યું કે આ વખતે દિવાળીના અવસર પર ચીનને ભારતથી 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે આ વખતે સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વ્યાપારી સંગઠનો દેશમાં ચાઈનીઝ ઉત્પાદનોના વધી રહેલા ઉપયોગ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ખાસ કરીને ઉદ્યોગપતિઓ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે ભારતમાં દરેક વસ્તુ સસ્તા ભાવે બની રહી છે.
દિવાળીના અવસર પર ઘરને સજાવવા માટે બજારોમાં વિવિધ પ્રકારની લાઈટો અને ડેકોરેશનની વસ્તુઓ ઉપલબ્ધ છે. રોશની, દીવા, ફૂલો અને દિવાળીના બેનરો પણ વિપુલ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. હવે લોકો દુકાનોમાં જઈને મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ બતાવવાનું કહી રહ્યા છે. નાના વેપારીઓ અને મોટા પાયે વેપારીઓની સાથે ઓનલાઈન વ્યાપાર કરતી મહિલાઓ માટે આ એક ખૂબ જ સારી તક છે, જ્યારે તહેવારોના અવસર પર તેમના ઉત્પાદનોનું ભારે વેચાણ થાય છે.