ચક્રવાત દાનાને પગલે કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સંભવીત વાવાઝોડુ દાના ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હાઈ એલર્ટ પર છે. મંગળવારે, કોસ્ટ ગાર્ડે કોઈપણ કટોકટીને ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાન તૈનાત કર્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે, આ ચક્રવાત 25 ઓક્ટોબરની સવારે પુરી અને સાગર દ્વીપની વચ્ચે 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કર્યું હતું. ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જેની ઝડપ અમુક સ્થળોએ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ વ્યૂહાત્મક રીતે તેમના જહાજો અને એરક્રાફ્ટને તૈનાત કર્યા છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય. કોસ્ટ ગાર્ડના સમર્પિત કર્મચારીઓ અને સંસાધનો રાહત, બચાવ અને સહાય માટે સંપૂર્ણપણે તૈયાર છે.
કોસ્ટ ગાર્ડ ઓડિશા અને પશ્ચિમ બંગાળના સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓ સાથે સંકલિત રીતે કાર્ય કરી રહ્યું છે જેથી કોઈપણ સંભવિત કટોકટીને અસરકારક રીતે પ્રતિસાદ મળે. કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના હલ્દિયા અને ઓડિશાના પારાદીપ ખાતે હેલિકોપ્ટર અને રિમોટ ઓપરેશન કેન્દ્રો તૈનાત કર્યા છે, જ્યાંથી માછીમારો અને દરિયામાં નૌકાવિહાર કરતા લોકોને હવામાનની ચેતવણીઓ અને સલામતી સલાહ નિયમિતપણે પ્રસારિત કરવામાં આવી રહી છે.